નવેમ્બર-2018માં 7.32 લાખ લોકોને રોજગાર : 15 મહિનામાં સૌથી ઊંચું સ્તર
નવી દિલ્હી, તા. 23 : રોજગારના મોરચે લગાતાર વિપક્ષના પ્રહારો ખમી રહેલી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર માટે કર્મચારી ભવિષ્યનિધિ (ઇપીએફઓ) તરફથી ખુશખબર આવી છે.
દેશભરમાં 2018ના નવેમ્બરમાં માત્ર એક જ મહિનામાં 7.32 લાખ લોકોને રોજગારી પૂરી પાડીને મોદી સરકારે વિક્રમ સર્જ્યો હોવાનું આંકડાકીય વિગતો પરથી જાણવા મળે છે.
આ આંકડા આગલા વર્ષના નવેમ્બરથી 48 ટકા વધુ છે. છેલ્લા 15 મહિનામાં નવેમ્બર દરમ્યાન સૌથી વધારે રોજગારના અવસર પેદા થયા.
ઇપીએફઓ દ્વારા આ જાણકારી આપતાં જણાવાયું છે કે, 2017માં નવેમ્બર મહિના દરમ્યાન 4.93 લાખ લોકોને રોજગાર મળ્યા હતા.
ઇપીએફઓના કોષમાં છેલ્લા 15 માસ દરમ્યાન કુલ્લ 73.50 લાખ નવા નામ નોંધાઇ ચૂક્યા છે. આમ 2018ના નવેમ્બરમાં મોદી સરકારે રોજગારીમાં વિક્રમ સર્જ્યો છે.
ઓક્ટોબર-2018માં 6.66 લાખ લોકોને વિવિધ રોજગાર મળ્યા છે. 2018ના નવેમ્બર મહિનામાં સૌથી વધુ 2.18 લાખ રોજગાર 18થી 21 વર્ષના યુવાનોને મળ્યા છે.
ત્યારબાદ 2.03 લાખ રોજગાર 22થી 25 વર્ષની વયના યુવાનોને અપાયા છે. આમ, યુવાનોને રોજગારના મોરચે ઉજળું ચિત્ર દેખાય છે.