યુપીમાં પ્રિયંકા, સિંધિયાની નિમણૂક માત્ર બે માસ માટે નથી, કૉંગ્રેસની વિચારધારા આગળ ધપાવવા મૂકયાં છે : રાહુલ

નવી દિલ્હી, તા. 23:  કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ, તેમનાં બહેન પ્રિયંકા ગાંધી વાડ્રાએ રાજકારણમાં ઝંપલાવ્યા અનુસંધાને કહ્યુ હતું કે  લોકસભા ચૂંટણીમાં મારી બહેન મને સહાયરૂપ થશે તે બાબતે હું અત્યંત ખુશ થયો છુ અને ઉત્તેજના અનુભવું છું. મેં તેને યુપીમાં પડકાર આપ્યો છે. ભાજપને કંઈક બેચેની થશે. મારી બહેન ઘણી સક્ષમ અને કઠોર પરિશ્રમી છે. (યુપી-પશ્રિમના પ્રભારી બનાવાયેલા) જ્યોતિરાદિત્ય પણ ઘણા ગતિશીલ નેતા છે.  યુપીમાં આ બેઉ યુવા નેતાઓ તેને નંબર વન રાજ્ય બનાવે તેમ અમે જોવા ઈચ્છીએ છીએ. મારો મુખ્ય મુદ્દો એ છે કે અમે, પાછળી હરોળમાં રહીને નહીં, અગ્રીમ હરોળમાં રહી લડશું. યુપીની પ્રજાને એ સંદેશ અપાયો છે કે ભાજપએ નાશ કર્યો હતો અને અમે તેને નવા દિશાદોર આપશું. પ્રિયંકા અને જ્યોતિરાદિત્યને કંઈ મેં માત્ર આ બે માસ માટે મોકલ્યા નથી, યુપીમાં કોંગ્રેસની વિચારસરણીને આગળ ધપાવવા મોકલ્યા છે. ગરીબો, યુવા વર્ગ અને ખેડૂતોની પડખે ઉભવાની અને તેઓ માટે લડવાની અમારી નીતિ છે એમ તેમણે જણાવ્યું હતું. આ નિમણૂંક  પ્રિયંકા રાષ્ટ્રીય ચૂંટણી લડશે તેનો પૂર્વસંકેત છે કે કેમ તેવા પ્રશ્ને રાહુલે જણાવ્યું હતું કે તે એમ કરવા માગે છે કે કેમ એ પ્રિયંકાએ જોવાનું છે.

Published on: Thu, 24 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer