ભારતનો વિકાસદર સૌથી ઝડપી

નવી દિલ્હી/દાવોસ, તા. 23 : ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઇ)ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને એવો વિશ્વાસ વ્યકત કર્યો છે કે, ભારત દેશની અર્થવ્યવસ્થાનું કદ ચીનથી મોટું થઇ જશે. બીજી તરફ આંતરાષ્ટ્રીય નાણા ભંડોળ પછી હવે સંયુક્ત રાષ્ટ્ર સંઘ (યુએન)એ પણ કહ્યું છે કે, ભારતીય અર્થ વ્યવસ્થા 2019 અને 2020માં ઝડપી આગળ વધશે અને તેની ગતિ ચીન જ નહીં, સમગ્ર દુનિયામાં સૌથી વધુ હશે.
સંયુક્ત રાષ્ટ્રના બુધવારે જારી થયેલા એક હેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય અર્થતંત્રનો વૃદ્ધિ દર 2018-19માં 7.4 ટકા અને આગામી નાણાકીય વર્ષ 2019-20માં 7.8 ટકા રહેશે.
સાથો સાથ દક્ષિણ એશિયાઇ દેશોમાં આધારભૂત ઢાંચાના નિર્માણમાં ભારતની સ્થિતિ ચીન કરતાં સારી હશે, તેવું પણ તેમણે ઉમેર્યું હતું.
વિશ્વમાં આર્થિક મંચની બેઠકમાં દક્ષિણ એશિયા માટે રણનીતિક દૃષ્ટિકોણ વિષય પર ચર્ચા દરમ્યાન રાજને જણાવ્યું હતું કે, ભારતના વિકાસદરમાં તેજી જારી રહેશે. જ્યારે ચીનની રફતાર મંદ પડી રહી છે.
બંને દેશો વચ્ચેની આ સ્પર્ધા દક્ષિણ એશિયાઇ ક્ષેત્ર માટે સારી છે. તેનાથી નિશ્ચિતપણે લાભ મળશે તેવા વિચાર તેમણે વ્યકત કર્યા હતા.
આરબીઆઇના પૂર્વ ગવર્નરે કહ્યું હતું કે, નેપાળ અને અફઘાનિસ્તાન પોતાની અર્થવ્યવસ્થા મજબૂત કરવા માટે ભારત અને ચીન બંનેની મદદ લઇ રહ્યા છે.
અત્યારે ક્ષેત્રિય કંપનીઓ અને  બેન્કોમાં સારો સમય છે. એવા અનેક ક્ષેત્ર છે  જ્યાં ભારત રોકાણ કરી રહ્યું છે, પરંતુ આ દાયરો હજુ વધારવો પડશે, તેવી સલાહ રાજને આપી હતી.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer