ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી જારી : જનજીવન પર અસર

નવી દિલ્હી,તા. 23 : હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરના જુદા જુદા ભાગોમાં ભારે હિમવર્ષા  આજે સતત ત્રીજા દિવસે જારી રહી છે. ભારે વરસાદ અને હિમવર્ષાના કારણે હાલત કફોડી બનેલી છે. તાપમાનમાં હજુ પણ સતત ઘટાડો થઇ રહ્યો છે. ચારેબાજુ બરફની ચાદર છવાઇ ગઇ છે. બીજી બાજુ ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોમાં વરસાદના કારણે જનજીવન પર માઠી અસર થઇ છે. મેદાની ભાગોમાં પણ પારો ખૂબ નીચે પહોંચી ગયો છે. ખરાબ હવામાનના લીધે શ્રીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અનેક  ફલાઈટો રદ કરાઈ છે. કેટલીક ફલાઈટોમાં વિલંબ થયો છે.  હિમાચલપ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં ફરી ભારે હિમવર્ષા થઈ છે. તમામ જગ્યાઓએ માઈનસમાં તાપમાન પહોંચી ગયું છે.મનાલીમાં વરસાદની સાથે સાથે હિમવર્ષા થઈ છે. ચારે બાજુ બરફની ચાદર છવાઈ ગઈ છે. મનાલીથી આગળ જતા રસ્તા ઉપર બરફની ચાદર છવાઈ ગઈ છે. લાહોલ અને સ્પિતી, કુલુ, સિમલા, ચંબામાં હિમવર્ષા થઈ છે. આગામી બે દિવસ દરમિયાન પણ હિમવર્ષા જારી રહી શકે છે. લોકો અને પ્રવાસીઓને ઉંચાણવાળા વિસ્તારોમાં ન જવા માટે કહેવામાં આવ્યું છે. સિમલા, નારકંડા, દલહોજીમાં પણ મધ્યથી ભારે હિમવર્ષા થઈ છે. ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીની સાથે સાથે હિમાચલ અને જમ્મુ-કાશ્મીરના મોટાભાગના વિસ્તારો હિમવર્ષાના કારણે ઠંડાગાર થયા છે. લઘુત્તમ તાપમાન માઈનસમાં પહોંચી જતા પાણીના સોર્સ બરફમાં ફેરવાઈ ગયા છે.

Published on: Thu, 24 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer