પ્રિયંકાની નિયુક્તિ રાહુલ ગાંધીની નિષ્ફળતાનું એલાન : ભાજપ

પ્રમોદ મુઝુમદાર તરફથી
નવી દિલ્હી, તા. 23 : ભાજપે પ્રિયંકા ગાંધીની કૉંગ્રેસના મહાસચિવપદે નિયુક્તિને પારિવારિક રાજ્યાભિષેક ગણાવી હતી અને જણાવ્યું હતું કે આમ કરીને કૉંગ્રેસે તેના પ્રમુખ રાહુલ ગાંધીની નિષ્ફળતાની જાહેરમાં સ્વીકૃતિ કરી લીધી છે.
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ડૉ. સંબિત પાત્રાએ પ્રિયંકા ગાંધીની કૉંગ્રેસના મહાસચિવપદે નિમણૂકની જાહેરાત બાદ અત્રે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પ્રિયંકા અગાઉ પણ ઉત્તર પ્રદેશમાં પક્ષનો પ્રચાર કરી ચૂકી છે અને તેનું પરિણામ સમગ્ર દેશે જોયું છે. કૉંગ્રેસ પાર્ટી ઉત્તર પ્રદેશમાં સમાપ્ત થવા જઈ રહી છે, હવે પ્રિયંકા આવે કે ન આવે ભાજપને કોઈ અસર થશે નહિ.
સંયુક્ત વિપક્ષી દળોના મહાગઠબંધનથી પ્રત્યેક રાજ્યમાં નકારાયા બાદ કૉંગ્રેસે આખરે પ્રિયંકા ગાંધી પર દાવ રમ્યો છે. 
ઉત્તર પ્રદેશમાં ભાજપના પ્રભારી કેન્દ્રીય આરોગ્યપ્રધાન જે. પી. નઢ્ઢાએ જણાવ્યું હતું કે આ રાહુલ ગાંધીની નિષ્ફળતાનું પ્રથમ એલાન છે. હવે રાહુલને પૂછવું જોઈએ કે પરિવારવાદી વિચાર પર હવે તેમનું શું મંતવ્ય છે?

Published on: Thu, 24 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer