મુંબઈ પોર્ટ ટ્રસ્ટ અને શિપિંગ મંત્રાલયની યોજનાને કારણે વિસ્થાપિત થનારા વેપારીઓએ બાંયો ચડાવી

મુંબઈ પોર્ટ ટ્રસ્ટ અને શિપિંગ મંત્રાલયની યોજનાને કારણે વિસ્થાપિત થનારા વેપારીઓએ બાંયો ચડાવી
દારૂખાનામાં યોજાયેલી સભામાં 500 જેટલા વેપારીઓ હાજર રહ્યા, 27 જાન્યુઆરી સુધીમાં લેખિત વિરોધ નોંધાવવાની અપીલ કરાઈ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 23 : મુંબઈ પોર્ટ ટ્રસ્ટ અને શિપિંગ મંત્રાલયે મઝગાંવથી શિવડી સુધીની પોર્ટ ટ્રસ્ટની 729 હેક્ટર જમીનનો ડેવલપમેન્ટ પ્લાન (ડીપી) તૈયાર કર્યો છે જેના કારણે રે રોડ સ્થિત દારૂખાના સહિતના વિસ્તારોના હજારો વેપારીઓને હટાવાશે. આ યોજના સામે વેપારીઓને એક બનીને લડવાની હાકલ કરવા માટે દારૂખાના આયર્ન, સ્ટીલ ઍન્ડ ક્રૅપ મર્ચન્ટ્સ ઍસોસિયેશન (ડિસ્મા)એ ગઈ કાલે જાહેર મીટિંગ બોલાવી હતી.
આ બેઠકમાં ડિસ્માના પ્રમુખ રાજીવ ખંડેલવાલ, કર્ણાક બંદરના બૉમ્બે આયર્ન મર્ચન્ટ્સ ઍસોસિયેશન (બિમા)ના પ્રમુખ કમલ પોદાર તેમ જ બીપીટી લૅન્ડ યુઝર્સનાં 18 જેટલાં વેપારી ઍસોસિયેશનના પ્રતિનિધિઓ સહિત પ્રોજેક્ટથી અસરગ્રસ્ત થનારા 500 જેટલા વેપારીઓના માર્ગદર્શન માટે વકીલ વીરેન આશર હાજર રહ્યા હતા. હાલમાં પોર્ટ ટ્રસ્ટ દ્વારા ભાડું ઉઘરાવવા માટે જે ફૉર્મ મોકલાયાં એનો વિવાદ ખૂબ નાનો છે, પરંતુ મુખ્ય પ્રશ્ન આપણા અસ્તિત્વનો છે એમ આ વેપારી ઍસોસિયેશનોએ બેઠકમાં જણાવ્યું હતું.
ડિસ્માના પ્રમુખ રાજીવ ખંડેલવાલે કહ્યું હતું કે પોર્ટ ટ્રસ્ટે 27 ડિસેમ્બરે ડીપી જાહેર કરીને એની કૉપી ઍસોસિયેશનોને મોકલાવી છે અને વાંધા-વિરોધ તથા સૂચનો માટે એક મહિનાનો સમય આપ્યો હતો. હવે 27 જાન્યુઆરી સુધીમાં આપણે આ લેખિત વિરોધ નોંધાવવાનો છે અને વધુમાં વધુ વેપારીઓ અંગત રીતે પોતાનો વિરોધ નોંધાવે એ જરૂરી છે. જેટલા વધુ પત્રો પોર્ટ ટ્રસ્ટને મળશે એટલું તેમના પર દબાણ આવશે, 
ડિસ્મા તરફથી કાનૂની સલાહકાર સમિતિના અધ્યક્ષ જોએબભાઈએ કહ્યું હતું કે પોર્ટ ટ્રસ્ટ અને શિપિંગ મંત્રાલયની આ યોજના પ્રમાણે બીપીટીની જમીનના ઝોન 7, 8 અને 13માં ડીપી પ્રમાણે રેસિડેન્શિયલ, મરીન ઇકો પાર્કનું રિઝર્વેશન કરાયું છે એથી આ વિસ્તારો સંપૂર્ણપણે ખાલી કરાવાશે, જેમાં દારૂખાનાનો સમાવેશ થાય છે. એથી દારૂખાનાના અસ્તિત્વને બચાવવાની આ લડાઈ છે. 
બિમાના પ્રમુખ કમલ પોદારે કહ્યું હતું કે કર્ણાક બંદરની લોખંડબજારને આ યોજનાથી મોટી અસર નથી થવાની છતાં અમે ડિસ્માના સહકારમાં છીએ. હું વેપારીઓને વિનંતી કરું છું કે તમે ડિસ્માને સહકાર આપો. ડિસ્મા તરફથી જણાવાયું હતું કે આપણે વેપારીઓ જ નહીં, આ વિસ્તારમાં કામ કરતા લૉરી અને લારીવાળાઓથી લઈને મોટી કંપનીઓને પણ પોર્ટ ટ્રસ્ટની ઍવિક્શન નોટિસો મળી છે એથી લગભગ એક લાખ વેપારી, કર્મચારીઓ સામે રોજગારી અને બિઝનેસની બરબાદીના પાયા નખાયા છે. એની સામે એક બનીને લડવું પડશે. જોએબભાઈએ સમજ આપી હતી કે દારૂખાનાના 80થી 90 ટકા યુનિટોને ઍવિક્શન નોટિસ ફટકારવામાં આવી છે. અગાઉના 1500 જેટલા કેસો નીચલી અદાલતોમાં અને 400 જેટલા કેસો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. 
ખંડેલવાલે કહ્યું હતું કે અત્યાર સુધી પોર્ટ ટ્રસ્ટની જમીન હતી અને વિવિધ લાઇસન્સ પાલિકા પાસેથી મેળવવાનાં રહેતાં હતાં, પરંતુ રાજ્ય સરકારે હવે આ સંપૂર્ણ સત્તા પોર્ટ ટ્રસ્ટને સોંપીને પાલિકાને એમાંથી દૂર કરી છે. પોર્ટ ટ્રસ્ટે આ યોજના માટે સ્પેશિયલ ડેવલપમેન્ટ અૉથોરિટી બનાવી છે અને હવે એ મારફત સૌને નોટિસ ફટકારવામાં આવી રહી છે. આમ હવે જમીન, અૉથોરિટી, પ્લાનિંગ અને અમલ એ બધું પોર્ટ ટ્રસ્ટ દ્વારા જ થઈ રહ્યું છે. 
વકીલ વીરેન આશરે જણાવ્યું હતું કે તમને ભાડા માટે જે ફૉર્મ મળ્યાં છે એ ભરશો નહીં. તમારા મૂળ ટેનન્ટના નામે ભાડું અવશ્ય ભરજો. ફૉર્મમાં તમારાં આધાર કાર્ડ અને પૅન કાર્ડની વિગતો સાથે તમે આ જગ્યાના માલિક કે ટેનન્ટ નથી અને તમારો જમીન પર કોઈ અધિકાર નથી એવું લખેલું છે. એથી જો આ ફૉર્મ ભરીને આપશો તો તમારાં કાંડાં કપાઈ જશે. તમારું ભાડું ટેનન્ટના નામે સ્વીકારાય તો સારું, બાકી તમારી વિગતો ન આપતા. 
મંચ પરથી કહેવાયું હતું કે અગાઉની સરકારે એલબીટીની વેપારીઓની વાત ન સાંભળી એથી એનું પતન થયું એ વેપારીઓની તાકાત છે. હવે લોકસભાની ચૂંટણી નજીક છે એથી આપણે અવાજ બુલંદ કરવાનો આ યોગ્ય સમય છે. આશરે સંકેત આપ્યો હતો કે હવે વેપારીઓ પાસે મે મહિના સુધીનો સમય છે. ત્યાં સુધીમાં તમારી લડાઈને વેગ આપજો નહીં તો ત્યાર બાદ કોઈ વાત નહીં સાંભળે. 
ખંડેલવાલે કહ્યું હતું કે અમે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વેપારીઓની પરેશાની વિષયક પત્ર લખવાના છીએ અને અપેક્ષા છે કે અમને રાહત મળશે. પોર્ટ ટ્રસ્ટ તરફથી ઍસોસિયેશનને પચીસ ટકા જમીન આપવાનું મૌખિક રીતે કહેવાયું છે, પરંતુ એફએસઆઇ સંબંધી કોઈ સ્પષ્ટતા નથી કરાઈ. માટે સૌ લાંબી લડાઈની તૈયારી રાખે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer