આરોપીએ મિત્રની લાશના ત્રણ દિવસમાં 400થી 500 ટુકડા કર્યા

આરોપીએ મિત્રની લાશના ત્રણ દિવસમાં 400થી 500 ટુકડા કર્યા
વિરારની સનસનાટીભરી હત્યાનો ભેદ પોલીસે ઉકેલી લીધો
અમારા પ્રતિનિધિ તરફથી
વિરાર, તા. 23 : વિરારમાં સાત માળના રહેણાક મકાનની સૅપ્ટિક ટૅન્કમાંથી મળેલા લાશના ટુકડા મીરા રોડના બાવન વર્ષના રહેવાસી ગણેશ કોલટકરના હોવાનું પોલીસે જણાવ્યું છે.
આ હત્યા સંબંધે સાંતાક્રુઝમાં વાકોલા ખાતે રહેતા હત્યારા પિન્ટુ શર્માની ધરપકડ કરવામાં આવી છે. ગણેશ કોલટકર મીરા રોડના નયાનગરમાં રહેતા હતા અને 16 જાન્યુઆરીથી લાપતા હતા. બન્ને વચ્ચે આર્થિક મુદ્દે ઝઘડો હતો. ગણેશ કોલટકરની હત્યા વિરાર-વેસ્ટમાં ગ્લોબલ સિટીમાં આવેલા બચરાજ પૅરેડાઇઝની `સી' વિન્ગમાં છઠ્ઠા માળના ફ્લૅટમાં કરવામાં આવી હતી.
ફ્લૅટમાં હત્યા કર્યા બાદ આરોપીએ લાશના ટુકડા કરી શૌચાલયમાં ફ્લશ કરી દીધા હતા. આને લીધે પાઇપલાઇન ચૉકઅપ થઈ ગઈ હતી. રહેવાસીઓની ફરિયાદ બાદ આ પાઇપલાઇનની સાફસફાઈનું કામ ચાલુ હતું.
મંગળવારે મજૂરો કામ કરતા હતા ત્યારે સૅપ્ટિક ટૅન્કમાં તેમણે માનવશરીરના ટુકડા જોયા હતા. તદ્દન નાના-નાના ટુકડા સૅપ્ટિક ટૅન્કમાં તરતા જોવા મળ્યા હતા.
અર્નાળા પોલીસે ઘટનાસ્થળે આવીને તપાસ કરી હતી ત્યારે બાજુના નાળા પાસેથી તેમને મૃતદેહના બીજા ટુકડા મળ્યા હતા.
પોલીસે કહ્યું હતું કે કોલટકર છેલ્લા થોડા દિવસથી લાપતા હતા અને એ વિશેની ફરિયાદ નયાનગર પોલીસ-સ્ટેશને કરવામાં આવી હતી.
આરોપી પિન્ટુ શર્માએ 602 નંબરનો ફ્લૅટ ભાડા પર લીધો હતો અને એમાં જ તેણે હત્યા કરી હતી. પોલીસને હજી કોલટકરનું માથું નથી મળ્યું. પોલીસને જે ટુકડા મળ્યા છે એને ઍનૅલિસિસ માટે કાલિનાની ફૉરેન્સિક લૅબોરેટરીમાં મોકલી અપાયા છે.
તપાસ દરમિયાન પોલીસને નાળા પાસેથી ત્રણ આંગળી પણ મળી હતી. `સી' વિન્ગમાં માત્ર સાત ફ્લૅટ છે અને ફ્લૅટ-નંબર 602માંથી તીવ્ર દુર્ગંધ આવતી હોવાથી પોલીસને શંકા ગઈ હતી. ભાડા પર ફ્લૅટ લેનાર આરોપીએ પોલીસને ઉડાઉ જવાબ આપ્યા હતા, પણ આખરે તે ભાંગી પડયો હતો. પોલીસે કહ્યું હતું કે `આરોપી અને ગણેશ કોલટકરનો પરિચય છ મહિના પહેલાં થયેલો અને બન્ને એકબીજાના મિત્ર બની ગયેલા. આરોપીએ ગણેશ કોલટકર પાસેથી એક લાખ રૂપિયા ઉછીના લીધા હતા અને એમાંથી 40,000 રૂપિયા પાછા પણ આપી દીધેલા. 16 જાન્યુઆરીએ આરોપીએ ગણેશ કોલટકરને વિરારની રૂમમાં બોલાવ્યો હતો. કોલટકરે ત્યાં પોતે લગ્ન કરવાનો છે એવી વાત કરી હતી. આને પગલે આરોપીએ એવી ટીખળ કરી હતી કે આ ઉંમરે લગ્ન કરવાની શું જરૂર છે. બીજું કોઈ મજા કરી જશે. આને લીધે ગણેશ કોલડકરને ગુસ્સો આવ્યો હતો અને તેઓ ત્યાંથી રવાના થયા, પણ આરોપીએ કોલટકરને ધક્કો મારતાં તે પડી ગયો હતો અને નિશ્ચેતન બની ગયો હતો. આરોપી ગભરાઈ ગયો હતો અને તેણે હેક્સો બ્લેડ વડે શરીરના દરેક અવયવના ટુકડા કરીને સાંતાક્રુઝના ઘરે રવાના થઈ ગયો હતો. પોલીસે કહ્યું હતું કે ત્રણ દિવસમાં આરોપીએ લાશના 400-500 ટુકડા કર્યા હતા. ગુરુવારે 17 જાન્યુઆરીએ આરોપી ફરી વિરારના ફ્લૅટમાં આવ્યો હતો અને શરીરના ટુકડાનો ઘરના ટૉઇલેટમાં નિકાલ કર્યો હતો.

Published on: Thu, 24 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer