બોરીવલીમાં 13 માર્ચે મુંબઈ-ગુજરાતના 40 દીક્ષાર્થીઓ અંગિકાર કરશે જૈન દીક્ષા

બોરીવલીમાં 13 માર્ચે મુંબઈ-ગુજરાતના 40 દીક્ષાર્થીઓ અંગિકાર કરશે જૈન દીક્ષા
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 23 : જૈનોના ઇતિહાસમાં ક્યારેય ન બની હોય એવી ઘટના મુંબઈમાં માર્ચ મહિનામાં થવાની છે અને એ માટે અત્યારે તડામાર તૈયારી ચાલી રહી છે. આ ઘટના એટલે એક સાથે 40 જણની સામૂહિક દીક્ષા.
આ સામૂહિક દીક્ષાનો કાર્યક્રમ 9થી 13 વચ્ચે બોરીવલીના ચીકુવાડીના ગ્રાઉન્ડમાં યોજાશે. દીક્ષા લેનાર 40 જણમાં મુંબઈના 16, ગુજરાતના 23 અને એક કલકતાના છે.
પાંચ દિવસ ચાલનારા આ દીક્ષા મહોત્સવમાં 500 જૈન સાધુ-સાધ્વીઓ પણ હાજર રહેશે. જે ચાલીસ જણની દીક્ષા છે તેમની ઉંમર 12થી 66 વર્ષ વય વચ્ચેની છે. આ દીક્ષા જૈનાચાર્ય પૂજ્ય જિનચંદ્ર સુરીશ્વરજી મહારાજા તથા જૈનાચાર્ય યોગતિલક સુરીશ્વરજી મહારાજાના હસ્તે થશે. જૈન શાસનમાં આ બન્ને જૈનાચાર્યો દીક્ષાના મહાનાયક તરીકે ઓળખાય છે. ચાર વર્ષ પહેલાં તેમણે સુરતમાં એકસાથે 45ને દીક્ષા આપેલી. એ પછી 36, 26 અને હવે 40 મુમુક્ષુઓને દીક્ષા આપશે. ટૂંકમાં તેમની દીક્ષાનો આંક ટૂંકા ગાળામાં 150નો આંક પાર કરી જશે.
ચીકુ વાડીના મેદાનમાં પાંચ દિવસના દીક્ષા મહોત્સવ માટે અનોખી નગરીનું નિર્માણ કરવામાં આવશે. આ અનોખી નગરી 3.5 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલી હશે. એમાં દીક્ષા મંડપ, જિનાલય, બાળ સંસ્કાર વાટિકા, વિવિધ પ્રદર્શન અને નરકની વિવિધ યાતનાઓનું નિરૂપણ કરતી રચનાઓ હશે.
દીક્ષાના મહાનાયક જૈનાચાર્ય યોગતિલક સુરીશ્વરજી મહારાજા સંસારી જીવનમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા. શાસનરત્ન અને આધ્યાત્મિક લગ્નોત્સવ સમિતિના અધ્યક્ષ હિતેશ મોતાએ કહ્યું હતું કે આ સામૂહિક દીક્ષાને લઈ ઉત્સાહનો માહોલ બંધાયો છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, શિક્ષણપ્રધાન વિનોદ તાવડે, મહાનગરપાલિકા અને મુંબઈના લોકો આ અવસરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દીક્ષા મહોત્સવ પૂર્વે 13 જાન્યુઆરીના મુલુંડમાં દીક્ષાર્થીઓનો ભવ્ય વરઘોડો પણ નીકળ્યો હતો.
આ દીક્ષા મહોત્સવમાં 50 હજારથી વધુ લોકો હાજરી આપે એવી અપેક્ષા છે.
જે 40 મુમુક્ષુ દીક્ષા લેવાના છે એમાં 16 મુંબઈના, 12 સુરતના, ત્રણ અમદાવાદના, ચાર હાલોલના, બે ભાભરના, 1 પાલનપુરના, એક ઉમરગામના અને એક કલકતાના દીક્ષાર્થી છે.

Published on: Thu, 24 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer