પ્રિયંકા પ્રયાગરાજ ખાતેથી ચૂંટણી લડશે?

પ્રિયંકા પ્રયાગરાજ ખાતેથી ચૂંટણી લડશે?
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 23 : હાલ સોનિયા ગાંધી યુપીએનાં અધ્યક્ષા છે ત્યારે પ્રિયંકા ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસની અને તેના ભાઈની તકોને મજબૂત કરવા માગે છે કે પછી તે પંડિત જવાહરલાલ નહેરુના અલાહાબાદ હવે પ્રયાગરાજ ખાતેથી ચૂંટણી લડશે.
જોકે, પૂર્વીય ઉત્તર પ્રદેશમાં પ્રિયંકા માટે કામ આસાન નહીં હોય કારણકે 2014માં કૉંગ્રેસને તમામ 30 બેઠકોમાંથી એક પણ બેઠક મળી નહોતી. વિધાનસભાની ગઈ ચૂંટણીમાં પણ પ્રિયંકા ગાંધી ચૂંટણીમાં સક્રિય હતાં, 
પરંતુ ધાર્યા પરિણામ લાવી 
શક્યાં નહોતાં. એ વિસ્તારમાં વિધાનસભાની 10 બેઠકોમાંથી મોટા ભાગની બેઠકો પર કૉંગ્રેસની હાર થઈ હતી. એટલે હવે પૂર્વ ઉત્તર પ્રદેશના હૃદય સમાન અને વડા પ્રધાનના મતદાર વિસ્તાર વારાણસીમાં પ્રિયંકા કેવી કામગીરી બજાવે છે એ જોવાનું રહેશે.
પૂર્વીય ઉત્તર પ્રદેશ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથનું રાજકીય અને આધ્યાત્મિક વડું મથક છે. તેઓ ગોરખપુર મઠના ઇનચાર્જ છે. તેઓ ગોરખપુર લોકસભા બેઠક પર પાંચ વાર વિજેતા રહી ચૂક્યા છે. રાજકીય વિશ્લેષકોના જણાવ્યા પ્રમાણે આ મહત્ત્વના હોદ્દા પર પ્રિયંકાની નિમણૂક કરીને હવે કૉંગ્રેસને એ વાત સમજાઈ ગઈ છે કે, રાજકીય રીતે મહત્ત્વના એવા રાજ્ય ઉત્તર પ્રદેશ કે જ્યાં લોકસભાની 80 બેઠકો છે અને તે કેન્દ્રમાં સત્તા મેળવવાનો માર્ગ ગણાય છે ત્યારે ત્યાં પક્ષને મજબૂત કરવાની જરૂર છે અને એક જ ઇનચાર્જ પરવડી શકે નહીં.
કૉંગ્રેસના નેતાઓ માને છે કે, રાજકારણમાં પ્રિયંકાના પ્રવેશથી પક્ષ ઉત્તર પ્રદેશમાં ભાજપ અને સપા-બસપાના બેવડા પડકાર સામે ઝીંક ઝીલી શકશે. કૉંગ્રેસના કાર્યકરોમાં નવો પ્રાણ પુરવાની આશા રાખવામાં આવી રહી છે.
પ્રિયંકાને ચૂંટણીપ્રચારમાં લાવીને કૉંગ્રેસ યુપીમાં ત્રિપાંખિયા જંગના તેણે આપેલા વચનની બાબતમાં ગંભીર હોય એવું લાગી રહ્યું છે. જોકે, શાસક પક્ષ સતત પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વડરા પર નિશાન તાકી રહ્યા છે પરંતુ કૉંગ્રેસની એવી દલીલ રહી છે કે આટલી બધી કાગારોળ છતાં રોબર્ટ વડરા સામે કશું પુરવાર થઈ શક્યું નથી.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer