નેતાજીની 122મી જન્મજયંતીએ લાલ કિલ્લામાં સુભાષચંદ્ર બોઝ મ્યુઝિયમ ખુલ્લું મૂકતા પીએમ

નેતાજીની 122મી જન્મજયંતીએ લાલ કિલ્લામાં સુભાષચંદ્ર બોઝ મ્યુઝિયમ ખુલ્લું મૂકતા પીએમ
અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 23: સુભાષંચદ્ર બોઝની 122મી જન્મજયંતિએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લામાં  નિર્માણ કરાયેલા સુભાષચંદ્ર બોઝ મ્યુઝિયમને આજે ખૂલ્લું મૂકયુ હતું. તે જ સ્થળે ઉભા કરાયેલા યાદ-એ-જલિયાં મ્યુઝિયમ(જલિયાંવાલા બાગ અને પ્રથમ વિશ્વયુદ્ધ અંગેનું મ્યુઝિયમ) અને મ્યુઝિયમ ઓન 18પ7-ઈન્ડિયાઝ ફર્સ્ટ વોર ઓન ઈન્ડિપેન્ડન્સ તથા દૃશ્યકલા મ્યુઝિયમ ઓન ઈન્ડિયન આર્ટની વડા પ્રધાને મુલાકાત લીધી હતી.
બોઝ અને ભારતીય હિન્દ ફોજ અંગેના મ્યુઝિયમમાં સુભાષચંદ્ર બોઝ અને આઈએનએને લગતી વિવિધ કળાકૃતિઓ પ્રદર્શિત કરાઈ છે, જેમાં નેતાજીએ ખપમાં લીધેલી લાકડાની ખુરશી અને તલવાર, ચંદ્રકો, બેજીસ, ગણવેશ, આઈએનએ સંબંધિત કળાકૃતિઓનો સમાવેશ થાય છે. યાદ-એ-જલિયાં મ્યુઝિયમ 1919ની 13 એપ્રિલે જલિયાંવાલા બાગમાં થયેલા નરસંહારનો અધિકૃત ચિતાર અપાયો છે. આ મ્યુઝિયમમાં પ્રથમ વિશ્વયુદ્ધમાં ભારતીય સૈનિકોએ દાખવેલા શૌર્ય, બહાદુરી અને બલિદાન દર્શાવાયા છે.
મ્યુઝિયમ ઓન 18પ7-ઈન્ડિયાઝ ફર્સ્ટ વોર ઓફ ઈન્ડિપેન્ડન્સમાં 18પ7ના સ્વાતંત્ર્યસંગ્રામનું ઐતિહાસિક નિરુપણ થયું છે અને એ અરસામાં ભારતીયોએ દાખવેલા શૌર્ય અને બલિદાનનાં પ્રતીકો પ્રદર્શિત થયાં છે. દૃશ્યકલાવાળા મ્યુઝિયમમાં 16મા સૈકાથી સ્વાતંત્ર્યપ્રાપ્તિ સુધીની ભારતીય કળાશૈલીઓ પ્રદર્શિત થઈ છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer