રાહુલની મદદે પ્રિયંકા

રાહુલની મદદે પ્રિયંકા
ઉત્તર પ્રદેશ-પૂર્વ માટે કૉંગ્રેસનાં મહામંત્રી બનાવાયાં
કૉંગ્રેસપ્રમુખ અમેઠીની સાથે બીજી સલામત બેઠક પસંદ કરશે?
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 23 : ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસને સપા-બસપાએ જાકારો આપ્યા બાદ પક્ષપ્રમુખ રાહુલ ગાંધીનાં બહેન પ્રિયંકા ગાંધી વડરાને આખરે ફરજિયાતપણે મે સુધીમાં યોજાનારી લોકસભાની ચૂંટણીના થોડા મહિના પહેલાં રાજકારણમાં ઝુકાવાની ફરજ પડી છે અને તેમની પૂર્વીય ઉત્તર પ્રદેશમાં પક્ષનાં મહામંત્રી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. રાજકારણમાં પ્રિયંકાના પ્રવેશથી કૉંગ્રેસી કાર્યકરોનો જુસ્સો જરૂર વધશે, પરંતુ ઉત્તર પ્રદેશમાં રાહુલ ગાંધીની આગેવાની હેઠળની કૉંગ્રેસ માટે તેઓ ``સંજીવની'' પુરવાર થાય છે કે નહીં તે તો લોકસભાની ચૂંટણીનાં પરિણામો જ કહેશે.
આ ઉપરાંત પ્રિયંકાની રાજકારણમાં એન્ટ્રી એવા સમયે થઈ છે, જ્યારે લોકસભાની અમેઠી બેઠક પર રાહુલ અને કૉંગ્રેસ પર ખતરો મંડરાઈ રહ્યો છે કારણકે આ બેઠક પર ગયા વખતે રાહુલ ગાંધી ભાજપની સ્મૃતિ ઇરાની સામે માત્ર એક લાખ મતના માર્જિનથી જીત્યા હતા અને એવી અટકળો પણ થઈ રહી છે કે, રાહુલ અમેઠીની સાથે સાથે કોઈ સલામત બેઠક પસંદ કરશે. એવી પણ અટકળો થઈ છે કે નાદુરસ્ત તબિયતને કારણે સોનિયા ગાંધી કદાચ રાયબરેલીની બેઠક પરથી ચૂંટણી નહીં લડે.
આ કારણે પણ એવી અફવાને વેગ મળ્યો છે કે, સક્રિય રાજકારણમાં જોડાયેલી પ્રિયંકા કદાચ બાજુની બેઠક અમેઠી પર રાહુલની સ્થિતિ મજબૂત કરવા રાયબરેલી ખાતેથી ચૂંટણી લડશે. પરંતુ ગાંધી પરિવાર આખરી નિર્ણય ન લે ત્યાં સુધી રાહ જોવી પડશે.

Published on: Thu, 24 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer