પ. રેલવેની લોકલ ટ્રેનોનું સમયપત્રક ફેબ્રુઆરી સુધી ખોરવાશે

ડીપ ક્રીનિંગના કારણે
મુંબઈ, તા. 24 : પશ્ચિમ રેલવેની લોકલ ટ્રેનો છેલ્લા અનેક દિવસોથી મોડી દોડતી હોવાની ફરિયાદ પ્રવાસી કરી રહ્યા છે. ટ્રેનો મોડી થવી, રદ કરવા બાબત સ્ટેશનો પર કોઈ જ માહિતી નહીં આપવાથી તેમની નારાજગી વધી રહી છે. વિલંબના કારણોમાં રેલવે ટ્રેક પર પાંચ સ્થળે થઈ રહેલા `ડીપ ક્રીનિંગ' અને લોઅર પરેલ પુલનું તોડકામ હોવાનું જણાયું હતું. આનાથી ટ્રેનો ધીમી ગતિએ ચાલે છે. પ્રવાસીઓને ફેબ્રુઆરી સુધી આ વિલંબનો ત્રાસ સહન કરવો પડશે.
ચર્ચગેટથી વિરાર- દહાણુ રોડ સુધી વિસ્તારીત પશ્ચિમ રેલવેના વસઈ રોડ - નાલાસોપારા, ગોરેગામ - મલાડ, મલાડ - રામમંદિર તેમ જ મહાલક્ષ્મી - મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનો વચ્ચે ડીપ ક્રીનિંગનું કામ ચાલુ છે. તેથી ત્યાં 20થી 45 કિમીની ઝડપે ટ્રેનો દોડે છે. પશ્ચિમ રેલવેની લોકલ ટ્રેનોની દોડવાની ક્ષમતા દર કલાકે 90-110 કિમી છે.
અપ અને ડાઉન માર્ગ પર લોકલ બરાબર દોડે છે પણ વેગ મર્યાદાના ક્ષેત્રમાં તેમને `બ્રેક' લાગે છે. પરિણામે ટ્રેનો સમયસર દોડાવવા કેટલીક સેવાઓ રદ કરવી પડતી હોવાનું રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું.
સવારે 8થી 11માં ટાઈમટેબલ ખોરવાવાથી તેનો ફટકો બપોરના શિડયુલ પર પડે છે. આ કામ ફેબ્રુઆરી સુધી ચાલુ રહેવાનું હોવાથી પ્રવાસીઓને આખો મહિનો તકલીફ સહેવી પડશે. જોકે આ અંગેની જાહેરાત સ્ટેશનો પર કરવાની માગણી પ્રવાસીઓ દ્વારા થઈ રહી છે. દરમિયાન ચોમાસા પૂર્વે આ મહત્ત્વનું કામ પૂરું કરવા પશ્ચિમ રેલવે કટિબદ્ધ છે એમ તેના સીપીઆરઓ રવીન્દ્ર ભાકરે જણાવ્યું હતું.
રેલવે ટ્રેક નીચેના સ્લીપર્સમાં જમા થનારા કચરાની સફાઈને ડીપ ક્રીનિંગ કહે છે. આ કામમાં ટ્રેકમાંની ખડી બદલવામાં આવે છે તેમ જ સ્લીપર્સમાં આવતા પ્લાસ્ટિક જેવા પદાર્થો કાઢવામાં આવે છે જેથી ચોમાસામાં પાણી ન ભરાય.

Published on: Thu, 24 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer