કુંભમેળામાં કૅમિકલ ઍટેકનો કારસો પકડાયો

મુંબઈ/ઔરંગાબાદ, તા. 24 : એટીએસ દ્વારા ધરપકડ કરાયેલા નવ શંકાસ્પદ આતંકવાદીઓએ આઈએસઆઈએસથી પ્રેરિત થઈ ઉમ્મત-એ-મોહમ્મદિયા નામનું જૂથ રચ્યું હતું અને ઉત્તર પ્રદેશના કુંભમેળા સહિત અનેક મહત્ત્વનાં સ્થળોએ રાસાયણિક હુમલા કરવાનું ષડ્યંત્ર તેમણે ઘડી કાઢ્યું હોવાની માહિતી એટીએસની તપાસમાં બહાર આવી છે.
તેમની પાસેથી છ છરા, 24 મોબાઈલ, છ લેપટોપ, છ મેમરી કાર્ડ, ડોંગલ્સ અને વિવિધ ઉપકરણો સાથે કેટલાક મહત્ત્વના દસ્તાવેજ મળી આવ્યા હોઈ આ સામગ્રીને ફોરેન્સિક લેબમાં મોકલાઈ હોવાનું એટીએસના પ્રમુખ અતુલચંદ્ર કુલકર્ણીએ જણાવ્યું હતું.
ધરપકડ કરાયેલા આઠ જણને ગઈકાલે ઔરંગાબાદની કોર્ટે 14 દિવસની પોલીસ કસ્ટડી ફરમાવી હતી. ગત મંગળવારે દિવસભર તપાસ કરાયા બાદ તેમની રાત્રે ધરપકડ થઈ હતી.
શકમંદો પૈકી એક અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના સાગરીત રાશિદ મલબારીનો પુત્ર છે. તેમાંના કેટલાક ફાર્માસિસ્ટ, તો કોઈ એન્જિનિયર છે. એક જણ સગીર હોઈ તેને બાળ-સુધારગૃહમાં મોકલી અપાયો છે.
આરોપીઓએ ઔરંગાબાદ અને મુંબ્રામાં ઘરે જ લેબોરેટરી બનાવી હતી અને તેમાં તેઓ વિવિધ ઘાતક રસાયણો એકઠાં કરતાં હતાં.
એટીએસે ધરપકડ કરેલા આતંકવાદીઓ પૈકી એક જમાન ખુટેઉપાડ (32) એ થાણે પાલિકાનો કર્મચારી છે. તેને લઈ તેની સાથે બીજા કેટલાક લોકોનો સહભાગ છે કે નહીં તે દિશામાં પોલીસની અધિક તપાસ ચાલી રહી છે. જમાનની મદદથી મુંબઈના પાણી પુરવઠામાં પણ કૅમિકલ ઍટેકનું ષડ્યંત્ર હતું કે નહીં તે દિશામાં પણ એટીએસ વધુ તપાસ કરે છે.
આમાંનો એક જણ સીધો આઈએસઆઈએસના સંપર્કમાં હોવાની માહિતી એટીએસને મળી હતી. તદનુસાર તેમની હિલચાલ પર નજર રખાઈ હતી. ધરપકડ કરાયેલામાં ત્રણ જણ સગા ભાઈ છે, તો બીજા તેમના મિત્ર છે.
ઘટનાસ્થળેથી હાઈડ્રોજન પેરોક્સાઈડ સહિત વિવિધ રસાયણો અને પાઉડર જપ્ત કરવામાં આવ્યાં છે.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer