કેરળ : મંદિરમાં દલિતોને પ્રવેશબંધી !

સબરીમાલામાં મહિલા પ્રવેશનો પક્ષ ખેંચતી સીપીએમ સરકાર દલિતોના મામલે ચૂપ !
કન્નુર, તા. 10 : સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ પર ઘમાસાણ વચ્ચે હવે કેરળના જ એક સીપીએમ સચાલિત મંદિરમાં દલિતોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે. સીપીએમની વિચારધારા અનુસરતા પ્રબંધકોએ દલિતોને વાર્ષિક ઉત્સવથી દૂર રાખ્યા છે.
અત્યારે અઝીકલ પંપાડી ઉત્સવ ચાલી રહ્યો છે અને આલિનકિઝીલ મંદિરમાં દલિતોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. આ ઉત્સવમાં પરંપરા મુજબ દેવીની તલવાર ઘેર લઇ જવાય છે.
એવું મનાય છે કે તેનાથી તમામ તામસી તાકાતોનો સંહાર કરી શકાય છે. સ્થાનિક 400 દલિત પરિવારોને સામેલ થવાની ઇચ્છા હોવા છતાં ઉત્સવમાં જોડાવા પર રોક લગાવી દેવાઇ છે.
કેરળ રાજ્ય પટ્ટિકા સમાજમે જણાવ્યું હતું કે, આ પ્રદેશમાં ભેદભાવનો આ કંઇ એક મામલો નથી. આવું તો રાજ્યના અન્ય ભાગોમાં પણ ઘણું થાય છે.
વિડંબના તો એ છે કે કેરળમાં સીપીએમની સરકાર સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશના અધિકારનું સમર્થન કરે છે, પરંતુ દલિતોને મંદિરથી દૂર રખાયા છે.
મંદિરના સેક્રેટરી પી.પી. ગંગાધરને કહ્યું હતું કે, આ જાતિના આધારે ભેદભાવનો મામલો નથી. સૌએ સમજવું જોઇએ, મંદિરની દાયકાઓથી ચાલી આવતી પરંપરા રાતોરાત બદલી ન શકે.
આ મંદિરનું સંચાલન સીપીએમના સમર્થકો દ્વારા થાય છે, છતાં દલિતોના પ્રવેશ પર રોક મૂકી દેવાઇ છે. આ મામલો હજુ અદાલતમાં નથી.

Published on: Mon, 11 Feb 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer