નિષ્ફળ વિદ્યાર્થીને હંમેશાં ટોપરની ઇર્ષ્યા : રાહુલ ઉપર જેટલીનો પ્રહાર

રફાલ, સર્જિકલ સ્ટ્રાઈક, ગૌહત્યા સહિતના મુદ્દે કૉંગ્રેસ ઉપર પલટવાર
નવી દિલ્હી, તા. 10: અમેરિકીથી સારવાર કરાવીને ભારત પરત ફરેલા કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ સોશિયલ મીડિયા મારફતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉપર શાબ્દિક પ્રહાર કર્યો હતો. રવિવારે કરેલા અમુક  ટ્વિટ્સમાં અરુણ જેટલીએ રાફેલ, કૌભાંડ, જીએસટી, સર્જીકલ સ્ટ્રાઈક, ગૌહત્યા સહિતના વિવાદનો ઉલ્લેખ કર્યો હતો અને ઈશારામાં રાહુલ ગાંધીને કહ્યું હતું કે, નિષ્ફળ વિદ્યાર્થી હંમેશાં ટોપરને ઇર્ષ્યાથી જોવે છે.
શરૂઆતમાં જેટલીએ લખ્યું હતું કે, છેલ્લા અમુક મહિનાથી કોંગ્રેસ ફર્જી આંદોલન ચલાવીને સરકારને બદનામ કરી રહી છે. જુઠ્ઠાણું લાંબા સમય ચાલતું ન હોવા છતાં વિપક્ષો એક પછી એક જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે. રાફેલનો ઉલ્લેખ કરીને જેટલીએ કહ્યું હતું કે, રાફેલ સોદાથી ભારતની મુકાબલો કરવાની ક્ષમતામાં વધારો થઈ રહ્યો છે અને કરોડો રૂપિયાની બચત થઈ છે. તેમ છતાં એક પક્ષે અધુરા કાગળો જાહેર કરીને ખોટી વાતોને સાચી સાબિત કરવાનો પ્રયાસ કર્યો હતો. રાફેલ ઉપર રાહુલ ગાંધીનાં બે નિવેદનો સાંભળતા એવું લાગે છે કે તેઓ મોદી સામે અંગત અદાવત ધરાવે છે. એક ફેલ સ્ટુડન્ટ હંમેશાં ક્લાસના ટોપરને નાપસંદ કરે છે. આવી જ રીતે જેટલીએ પોતાના ટ્વિટમાં ઇન્ડસ્ટ્રીય લોન્સ, સર્જીકલ સ્ટ્રાઈક, ગૌહત્યા સહિતના મુદ્દે પણ કોંગ્રેસ ઉપર પલટવાર કર્યો હતો. 

Published on: Mon, 11 Feb 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer