પ્લેનનાં ભાડાં આસમાને

પ્લેનનાં ભાડાં આસમાને
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 10 : મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પરનો રનવે દેખભાળ અને રિપેરિંગ માટે 28 ફેબ્રુઆરી સુધી બંધ રહેવાનો હોવાથી હજારો ફ્લાઇટ કૅન્સલ થઈ છે જેને લીધે પ્રવાસીઓ હેરાન થઈ રહ્યા છે ત્યારે હવે વિમાનભાડાંમાં વધારો થવાથી પ્રવાસીઓની મુશ્કેલીઓમાં વધારો થયો છે.
દુનિયામાં સૌથી વ્યસ્ત ગણાતા ઍરપોર્ટમાંના એક પરનો રનવે સમારકામ માટે સવારે 11થી સાંજે પાંચ વાગ્યા સુધી બંધ રાખવામાં આવે છે. એને લીધે એક દિવસમાં લગભગ 230 જેટલી ફ્લાઇટ કૅન્સલ કરવામાં આવી રહી છે. રનવેના સમારકામનો ફટકો વિમાનના ટેક-અૉફ અને લૅન્ડિંગને પડી રહ્યો છે. એની સાથોસાથ 33 ટકા વિમાનો મોડાં પડે છે. વિમાનોનાં ઉડ્ડયનો ઓછાં થઈ જતાં કમાણીના ઍડ્જસ્ટમેન્ટ માટે વિમાનનાં ભાડાં વધારાયાં છે.
મુંબઈના ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર બે રનવે છે જે એકમેકને ક્રૉસ કરે છે. એને લીધે એક વખતે એક જ વિમાન લૅન્ડિંગ અથવા ટેક-અૉફ કરી શકે છે. દર પાંચ મિનિટે પાંચ વિમાનો લૅન્ડિંગ અને ટેક-અૉફ કરે છે. બે વિમાનના આવવા-જવા વચ્ચે ફક્ત 65 સેકન્ડનો સમય હોય છે. મુંબઈના આ ઍરપોર્ટ પર દરરોજ એક કલાકમાં 46 વિમાન લૅન્ડિંગ અને ટેક-અૉફ કરાવવાની ક્ષમતા છે. જોકે શુક્રવારે સવારે-સાંજે કલાકદીઠ 50 વિમાનોનાં લૅન્ડિંગ અને ટેક-અૉફ થયાં હતાં. દિલ્હીનું ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ દેશનું પ્રથમ અને મુંબઈનું ઍરપોર્ટ બીજા ક્રમે છે.
 
 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer