પેટ્રોલ પંપ અને સર્વિસ સેન્ટરોમાં કાર વૉશની સગવડ હવે બંધ થશે

પેટ્રોલ પંપ અને સર્વિસ સેન્ટરોમાં કાર વૉશની સગવડ હવે બંધ થશે
મુંબઈ, તા. 10 : પેટ્રોલ પંપો અને ઓટોમોબાઈલ સર્વિસ સેન્ટરોમાં પાણીનો બગાડ કરતી  કાર વૉશ ફેસિલિટીને બંધ કરવાનો મુંબઈ મહાનગર પાલિકાએ નિર્ણય કર્યો છે.
અત્યારે શહેરમાં 10 ટકા પાણીકાપ લાગુ છે. આવી પરિસ્થિતિમાં મહાપાલિકાએ ગયા મહિને એક સર્ક્યુલર બહાર પાડયો હતો જેમાં સ્પષ્ટ કરાયું હતું કે પેટ્રોલ પંપો અને ઓટોમોબાઈલ સેન્ટરોમાં જે પાણી પૂરું પાડવામાં આવે છે તે માત્ર પીવા અને શૌચાલય - બાથરૂમના ઉપયોગ પૂરતું મર્યાદિત છે. એ પાણી કાર વૉશ માટે નથી.
સર્ક્યુલરમાં જણાવાયું છે કે મહાપાલિકાનો પાણીનો ઉપયોગ કાર વૉશ માટે કરાતો હોય તો ઝોનલ વૉટર એન્જિનિયરોએ સાઈટ ઈન્સ્પેક્શન્સ કરવું જરૂરી છે. મહાપાલિકાના અધિકારીઓનું કહેવું છે કે પાણીના પાઈપનો મોજ નાનો હશે તો હાઈ-પ્રેશર પાણીનો ફ્લો શક્ય નહી ં બને અને કાર વૉશનો પ્રશ્ન ઉપસ્થિત નહી ં થાય.
કાર વૉશને કારણે પાણીનો અધધધ બગાડ થાય છે એવી ફરિયાદને પગલે વૉટર ડિપાર્ટમેન્ટે આ સકર્યુલર બહાર પાડયો છે. આ ફરિયાદ ભાજપના કોલાબાના કોર્પોરેટર મકરંદ નાર્વેકરના નેતૃત્વ હેઠળ નાગરિકોના ગ્રુપે કમિશનર અજોય મેહતાને કરી હતી.
નાર્વેકરે કહ્યું હતું કે ઈન્ડસ્ટ્રીના એક અંદાજ મુજબ શહેરમાં દરરોજ 35 હજાર કારની સર્વિસ થાય છે અને એને વૉશ પણ કરવામાં આવે છે. એક કાર પાછળ 200 લિટર પાણીનો વ્યય થતો હોય તો રોજ 70 લાખ પાણીના જથ્થાનો બગાડ થાય છે. કાર વૉશિંગ ફેસિલિટી પર અંકુશ માટે મહાપાલિકાની કોઈ નીતિ નથી. બધા જ પેટ્રોલ પંપો અને સર્વિસ સેન્ટરો પીવાનાં પાણીનો જ કાર વૉશ માટે ઉપયોગ કરે છે.
મકરંદ નાર્વેકરે કહ્યું હતું કે સ્ટીમ વૉશ જેવી વૈકલ્પિક કાર વૉશની પદ્ધતિ અપનાવવાની જરૂર છે. એમાં માત્ર પાંચ લિટર પાણી વપરાય છે. મહાપાલિકાએ ઝડપી કાર વૉશ વિશે નીતિ ઘડવાની જરૂર છે.
મહાપાલિકાના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે કાર વૉશ માટે જ્યાં પાણીનો દુરુપયોગ થતો હશે તેનું પાણીનું કનેક્શન અમે કાપી નાખીશું.
પંજાબ અને કર્ણાટકે કાર વૉશ માટેની નીતિ બનાવી છે. એમાં દંડ અને વેસ્ટ વૉટર ટ્રીટમેન્ટ ફેસિલિટીનો ફરજિયાત સમાવેશ કરાયો છે.

Published on: Mon, 11 Feb 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer