બાંદરાની ઘટનાની કમિશનરે નોંધ લીધી
મુંબઈ, તા. 10 : બાંદરામાં હેલ્મેટ પહેર્યા વગર બાઈક ચલાવનારા પોલીસ કોન્સ્ટેબલનો વીડિયો વાઇરલ થઈ ગયા બાદ મુંબઈ પોલીસે તેના કર્મચારીઓને હેલ્મેટ વગર ટુ વ્હીલર નહી ં ચલાવવાની ચેતવણી આપી છે.
શુક્રવારે તમામ પોલીસ સ્ટેશનોને એક પરિપત્ર મોકલવામાં આવ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે ગણવેશમાં કે ગણવેશ વગર કોઈ પણ પોલીસ જ્યારે હેલ્મેટ વગર બાઈક ચલાવે છે ત્યારે તેનાથી પોલીસદળની છાપ ખરાબ થાય છે. આ પરિપત્રમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીને આવું ચલાવી લેવું ન જોઈએ. પોલીસો અને મહિલા પોલીસોને દ્વિચક્રી વાહન ચલાવતી વખતે હંમેશાં હેલ્મેટ પહેરવાનો તેમ જ ટ્રાફિકના અન્ય નિયમોનું પાલન કરવાનો આદેશ આપવામાં આવે છે એમ જોઈન્ટ પોલીસ કમિશનર (ટ્રાફિક) અમિતેશકુમારે જણાવ્યું હતું.
3 ફેબ્રુઆરીના કૉન્સ્ટેબલ પંઢરીનાથ અલ્ડર કે જે બાંદરાના નિર્મલ નગર પોલીસ સ્ટેશન સાથે સંકળાયેલો છે. તે હેલ્મેટ પહેર્યા વગર જતો હતો જેનો વીડિયો ઉતારી લેવામાં આવ્યો હતો. નિર્મલ નગરના જ રહેવાસી પવન સય્યદાની અને તેના બે મિત્રોએ કૉન્સ્ટેબલને અટકાવ્યો હતો અને ત્યાર બાદ ઉગ્ર બોલાચાલી થઈ હતી. તેમણે આનું વીડિયો રેકોર્ડિંગ કરી લીધું હતું. આ ટપાટપી વચ્ચે સય્યદાનીએ અલ્ડરની બાઈકની ચાવી છીનવી લીધી હતી અને એવી દલીલ કરી હતી કે જ્યારે મુંબઈના રહેવાસીઓને નિયમોના નજીવા ભંગ માટે દંડ ફટકારવામાં આવે છે ત્યારે પોલીસોને શા માટે આવા નિયમોના ભંગની છૂટ આપવામાં આવે છે.
મોબાઈલ ફુટેજમાં બતાવવામાં આવ્યું છે કે પોલીસ કૉન્સ્ટેબલ કોઈ રાહદારી પાસેથી હેલ્મેટ માગે છે ત્યાર બાદ તેને બાઈકની ચાવી પાછી આપવામાં આવે છે. આ વીડિયો વાઇરલ થઈ ગયો હતો. જોકે સય્યદાની અને તેમના મિત્રો સામે કેસ નોંધવામાં આવ્યો હતો.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે વારંવાર ચેતવણી આપવા છતાં ઘણા પોલીસો હેલ્મેટ પહેરતા નથી. હવે આ પરિપત્ર દ્વારા હેલ્મેટ પહેરવાનું પોલીસો માટે ફરજિયાત કરવામાં આવ્યું છે.
તમામ પોલીસ કૉન્સ્ટેબલોએ હવે હેલ્મેટ પહેરવી જ પડશે
