નિ:સ્વાર્થ સમાજસેવકોના નેટવર્કિંગથી ન્યૂ ઈન્ડિયાને મળી ગતિ : મનોજ સિંહા

નિ:સ્વાર્થ સમાજસેવકોના નેટવર્કિંગથી ન્યૂ ઈન્ડિયાને મળી ગતિ : મનોજ સિંહા
નવી દિલ્હી, તા. 10 : સંદેશવ્યવહાર ખાતાના પ્રધાન મનોજ સિંહાએ દેશમાં પરિવર્તન માટે લોકોની શક્તિને યશ આપતા અત્રે જણાવ્યું હતું કે, દેશ માટે નિ:સ્વાર્થભાવે કામ કરતા લોકોને એક મંચ પર લાવીને તેમની સામૂહિક તાકાતથી નવા ભારતની રચનાને ગતિ આપવી જરૂરી છે.
અત્રે વિજ્ઞાન ભવનમાં એક સ્વયંસેવી સંસ્થા અષ્ટવ્રત ઈન્ડિયા ફાઉન્ડેશન તરફથી સામાજિક ઉદ્યયમિતા તથા તેના માધ્યમથી સમાજના વિકાસ વિષય પરની ચર્ચામાં તેમણે પોતાના આ વિચારો રજૂ કર્યા હતા.
આ કાર્યક્રમમાં નીતિ આયોગના સભ્ય તથા વડા પ્રધાનના આર્થિક સલાહકાર તથા પરિષદના પ્રમુખ ડૉ. વિવેક દેવરાય, સ્ટાર ઈન્ડિયા લિમિટેડના મુખ્ય કાર્યકારી અધિકારી ઉદય શંકર અને દિલ્હી વિશ્વવિદ્યાલયમાં ફેકલ્ટી અૉફ મૅનેજમેન્ટ સ્ટડીઝના ડીન પ્રો. સુનિતા સિંહ સેનગુપ્તા પણ હાજર હતા.
શ્રી સિંહાએ અષ્ટવ્રત ફાઉન્ડેશન દ્વારા દેશભરમાં સમાજની ભલાઈ તથા ગરીબ, નબળા અને જરૂરિયાતમંદ લોકોની મદદ માટે સ્વેચ્છાથી કામ કરનારાઓનું નેટવર્ક તૈયાર કરવાની પહેલનું સ્વાગત કર્યું હતું અને તેની સફળતાની કામના કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે દેશની તકદીર ટેક્નિક છે અને ટેક્નિકના માધ્યમથી લોકોને સશક્ત કરવા, જોડવા અને તેમની સામૂહિક તાકાતને જાગૃત કરવાનું સરળ થયું છે. તેમણે દેશના ગ્રામીણ વિસ્તારોમાં ઓપ્ટિક ફાઈબર ક્ઁબલના માધ્યમથી  બે લાખ ગામડાઓમાં કોમન સર્વિસ સેન્ટરો ખોલવાનો ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે, આ ગામડાઓમાં લોકોને ડિજિટલ માધ્યમથી  મળનારી  તમામ સરકારી  સગવડો આપવામાં આવે છે. જન્મ-મૃત્યુ પ્રમાણપત્રથી માંડીને બૅન્કિંગ સગવડ વગેરે આ સેન્ટરોમાંથી મળી રહી છે. દેશમાં આના પાંચ લાખ સેન્ટરો ખોલવાની યોજના છે.
દેશમાં `સ્વત: સુખાય'ની ભાવનાથી કામ કરવાવાળાઓની કોઈ કમી નથી કારણ કે આ આપણા દેશની સંસ્કૃતિ અને જીવનમૂલ્ય છે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
સ્વચ્છ ભારત અભિયાન લોકોની સહભાગીદારીથી જ સફળ થયું છે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
આ પ્રસંગે શ્રી દેવરાયે જણાવ્યું હતું કે દેશમાં એવા ઘણા દાખલા મોજૂદ છે જેમાં જનબળના દબાણમાં સરકારોએ ઈચ્છા ન હોવા છતાં એવી નીતિઓ બનાવી છે અને તેના કારણે પરિવર્તન આવ્યું છે.
 
 

Published on: Mon, 11 Feb 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer