મુંબઈ, તા. 11 : શહેરનો અત્યંત ઉદ્યમી વિસ્તાર દાદર ટીટી સર્કલ ફેરિયા વિનાનો વિભાગ બની જાય એવી શક્યતા છે. બીએમસીને મોકલાયેલા એફ-નોર્થ વૉર્ડ્સના હોકિંગ ઝોન્સ માટેની યાદીમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. છેલ્લાં 45 વર્ષથી 250 ફેરિયાઓ દાદર ટીટી સર્કલમાં કબજો ધરાવે છે. તેઓને તિલક રોડ, રફી અહમદ કિડવાઈ રોડ અને દાદર પારસી કોલોનીના કેટલાક રોડ પર જગ્યા ફાળવી શકાય એમ છે.
સાયન સર્કલ અને કિંગસર્કલ ખાતેના મહેશ્વરી ઉદ્યાનને પણ આ યાદીમાં સમાવાયું નથી.
વૉર્ડ આસિસ્ટન્ટ કમિશનર કેશવ ઉબલેએ જણાવ્યું હતું કે આ મુક્તિના પ્રસ્તાવ થકી ગીચતા ધરાવતા ત્રણ વિસ્તારોની ચમકદમક જાળવી રાખવાનું 1955ના મૂળ ટાઉન પ્લાનિંગમાં દર્શાવવામાં આવ્યું છે. આ પ્રસ્તાવને બીએમસીની ટાઉન વેન્ડિંગ કમિટીની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. 45 વર્ષ અગાઉ આ એફ-નોર્થ વિસ્તારમાં ફેરિયાઓ નહોતા ત્યારે તેની ચમકદમક કંઈક અલગ જ પ્રકારની જણાતી હતી.