મુંબઈમાં 24 કલાક દુકાનો ખુલ્લી રાખવાની મનાઈ છે?

મુંબઈમાં 24 કલાક દુકાનો ખુલ્લી રાખવાની મનાઈ છે?
મુંબઈ તા. 11 : દુકાનો, હૉટેલ અને રેસ્ટોરાંને ચોવીસે કલાક છૂટ આપતી નીતિ ઘડનાર મહારાષ્ટ્ર પ્રથમ રાજ્ય બન્યું હોવા છતાં કોઈ વેપારી ઉપક્રમો ચોવીસ કલાક ખુલ્લા રહેતા નથી. આમાં મુખ્ય વાંક પોલીસનો છે. પોલીસ કાયદો અને વ્યવસ્થાનું કારણ આગળ ધરીને દુકાનો તથા હૉટેલોને 24 કલાક ચાલુ રાખવાની મંજૂરી આપતી નથી.
ફૂડ ઍન્ડ રિટેલ ઍસોસિયેશને આ અંગે રાજ્ય સરકાર પાસે ખુલાસો માગ્યો છે. આને પગલે સરકારે પોલીસ વિભાગ પાસે પોતાના આદેશનો અમલ કેમ થતો નથી એનું સ્પષ્ટીકરણ આપવા જણાવ્યું છે.
રાજ્ય સરકારે શોપ્સ એન્ડ એસ્ટાબ્લિસમેન્ટ (રોજગારનું નિયમન અને સેવાની શરતો) ધારામાં સુધારો કરતું જાહેરનામું બહાર પાડયું હતું. આને લીધે દુકાનો, મૉલ અને રેસ્ટોરાંને ચોવીસ કલાક ચાલુ રાખવાની છૂટ મળી હતી. આમાં એ જ ઉપક્રમો સામેલ હતા જે દારૂ પીરસતા નથી. જોકે ગયા મહિને ફાસ્ટ ફૂડ કંપની મેક્ડોનાલ્ડે રાજ્યનાં 100 આઉટલેટ ચોવીસ કલાક ખુલ્લા રાખવા માટે પરવાનગી માગી હતી, પરંતુ આ પરવાનગી ગૃહ ખાતાએ આપી નહોતી.
ગૃહ મંત્રાલયે 2016માં મુંબઈ પોલીસ ધારા હેઠળ બહાર પડાયેલા પરિપત્રનો હવાલો દેતાં કહ્યું હતું કે દુકાનો રાતના દસ વાગ્યા પછી અને હૉટેલો રાતના દોઢ વાગ્યા પછી ખુલ્લી રાખવા માટે પોલીસની પરવાનગી લેવી ફરજિયાત છે. બીજી બે કલોધિંગ રિટેલ ચેને પણ તેમના આઉટલેટ 24 કલાક ચાલુ રાખવાની પરવાનગી માગી હતી, પરંતુ તે નકારવામાં આવી હતી.
રિટેલર્સ ઍસોસિયેશન અૉફ ઇન્ડિયા (આરએઆઈ)ને મે, 2018માં પોલીસે એવો ખુલાસો કર્યો હતો કે શ્રમ મંત્રાલયે એવો દાવો કર્યે છે કે 24 કલાક અૉપરેશનની પરવાનગી પોલીસ અને બીજી લાઇસન્સનિંગ ડિપાર્ટમેન્ટના પરિપત્રને આધિન હશે. શ્રમ મંત્રાલયના એક અધિકારીએ કહ્યું હતું કે કામદારોનાં હિતને સુરક્ષિત કરવા આ પરિપત્રો બહાર કઢાયાં છે. કાયદામાં કરાયેલા સુધારાથી કાયદો અંકુશ મૂકનારને બદલે સમર્થ બનાવતો થયો છે. જોકે પોલીસ દુકાનોને 24 કલાક ઓપરેશન ન કરવા પોતાના જૂના પરિપત્રોમાં ઉપયોગ કરે છે.
શ્રમ મંત્રાલયના મુખ્ય સચીવ રાજેશ કુમારે કહ્યું હતું કે ગયા અઠવાડિયે રિટેલર્સ ઍસોસિયેશન, એસ્ટાબ્લિસમેન્ટ અને પોલીસ જોડે સંયુક્ત બેઠક યોજવામાં આવી હતી. પોલીસ ખાતું દુકાનોને 24 કલાક ચાલુ રાખવા કાં તો પોતાનો પરિપત્ર સુધારશે અથવા નવો પરિપત્ર બહાર પાડશે જેથી સમયના અંકુશો ચાલુ રહે. જોકે ગૃહ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન રણજિત પાટીલે કહ્યું હતું કે પોલીસ પર તેમના ગજા બહારનું કામ હોવાથી આમાં વ્યવહારુ નિર્ણય લેવો જોઈએ. આ બાબત મુખ્ય પ્રધાન સમક્ષ મૂકશે અને તેમની જોડે વિચારવિમર્શ કરાશે. જો કંઈ અનિચ્છનીય બનાવ બને તો બધી જવાબદારી પોલીસના શીરે આવી જાય. રિટેલર્સ ઍસોસિયેશને કહ્યું હતું કે પોલીસ તેના વર્તનમાં થોડા ફેરફાર કરે એની અપેક્ષા છે. અમે બધા ડિપાર્ટમેન્ટના સચીવો તેમ જ મુખ્ય સચીવ સાથે મિટિંગ કરી હતી. સરકાર આ બાબતમાં ખુલાસો કરશે, એમ આરએઆઈના સીઈઓ કુમાર રાજગોપાલને જણાવ્યું હતું. જોકે મેકડોનાલ્ડના પ્રવક્તાએ આ અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરવાની ના પાડી હતી. સિનિયર ઍડવોકેટ નીતિન પ્રધાને કહ્યું હતું કે આ કાયદાના ગેરસંચાલનનો કેસ છે.

Published on: Mon, 11 Feb 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer