હવે હું મારાં સંતાનોની કૂલ મોમ બની છું : માધુરી દીક્ષિત

હવે હું મારાં સંતાનોની કૂલ મોમ બની છું : માધુરી દીક્ષિત
ધક ધક ગર્લ તરીકે આળખાતી અભિનેત્રી માધુરી દીક્ષિત 15 વર્ષના અરીન અને 13 વર્ષના રેયાનની માતા છે. લાંબા સમય બાદ તે ફિલ્મ ટોટલ ધમાલમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે અનિલ કપૂર, અજય દેવગણ, અરશદ વારસી, જાવેદ જાફરી, રિતેશ દેશમુખ અને કેટલાંક પ્રાણીઓ છે. 24 વર્ષ બાદ માધુરીએ દિગ્દર્શક ઇન્દ્ર કુમાર સાથે કામ કર્યું છે. છેલ્લે તેમણે ફિલ્મ `રાજા'માં સાથે કામ કર્યું હતું. આ જ પ્રમાણે 2000માં ફિલ્મ `પુકાર'માં માધુરી અને અનિલ કપૂરની જોડી જોવા મળી હતી. 18 વર્ષ બાદ ફરી તેઓ ટોટલ ધમાલમાં સાથે જોવા મળશે. માધુરી કહે છે કે મને જુદીજુદી ભૂમિકાઓ ભજવવી ગમે છે. આ ફિલ્મની ભૂમિકા વિશે જાણીને જ મેં હા પાડી હતી. 18 વર્ષ બાદ અનિલ સાથે શૂટિંગ શરૂ કર્યું ત્યારે પહેલા જેવો માહોલ બને તે માટે અમે ગીતના શૂટિંગથી શરૂઆત કરી હતી. ફિલ્મમાં હું મહારાષ્ટ્રીયન છું અને ગુજરાતી અનિલ સાથે લગ્ન કર્યા હોય છે. અમારી બંને વચ્ચે સતત હુંસાતૂસી ચાલે છે જે જોવાની પ્રેક્ષકોને મજા આવશે. શૂટિંગ દરમિયાન સેટ પર પણ બધા અમારા સંવાદોને કારણે પેટ પકડીને હસતા હતા. 
માધુરી સારી અભિનેત્રી હોવા સાથે ઉત્તમ ડાન્સર પણ છે. તેના મોટા પુત્ર અરીનને પણ અભિનય તથા ડાન્સમાં રસ છે. તેણે તેની મમ્મી પાસે હિપહોપ શીખવાની ઇચ્છા વ્યક્ત કરી છે, જ્યારે માધુરીએ તેને પુકાર ફિલ્મનું સેરા સેરા ગીત દેખાડયું ત્યારે તે આશ્ચર્યચકિત થઇ ગયો હતો. બસ, ત્યારથી હું મારાં સંતાનોની કૂલ મોમ બની ગઇ છું, એમ માધુરીએ હસતાં હસતાં કહ્યું હતું. 
અભિનેત્રી ફિલ્મ નિર્માત્રી બની છે અને તેની પ્રથમ મરાઠી ફિલ્મ 15 ઓગસ્ટનું કામ ચાલે છે. આ ફિલ્મના દિગ્દર્શક સ્વપ્નીલ જયકર છે અને તેમાં રાહુલ પેઠે તથા મૃણમયી દેશપાંડે અભિનય કરે છે. આ ઉપરાંત અભિનેત્રીની બીજી ફિલ્મ કલંકનું શૂટિંગ પણ ચાલે છે. આમાં તે ટોટલ ધમાલ કરતાં તદ્ન વિપરીત ભૂમિકામાં જોવા મળશે. હકીકતમાં તો કલંકમાં શ્રીદેવીને લેવામાં આવી હતી. પરંતુ તેના અચાનક અવસાન બાદ માધુરીને આ પાત્ર ઓફર કરાયું હતું જે તેણે શ્રીદેવીને શ્રદ્ધાંજલિરૂપે સ્વીકારી હતી. શ્રીદેવી વિશે વાત નીકળતાં માધુરીએ કહ્યું કે, તેના અવસાને સમજાવી દીધું કે આપણે જીવનની દરેક ક્ષણ જીવવી જોઇએ. પરિવાર તથા સ્નેહીજનો સાથે માણેલી પળો જ જીવનને જીવંત બનાવે છે .આજે શ્રીદેવીના જવાથી સર્જાયેલા શૂન્યાવકાશને ભરવો સરળ નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer