નવી દિલ્હી તા.11: ભારતીય ક્રિકેટ ટીમની પસંદગી સમિતિના ચેરમેન એમએસકે પ્રસાદે કહયું છે કે રીષભ પંત, અંજિકયા રહાણે અને વિજય શંકર વિશ્વ કપની ભારતીય ટીમનો હિસ્સો બની શકે છે. પ્રસાદનું કહેવું છે કે યુવા વિકેટકીપર રીષભ પંતે સતત સારું પ્રદર્શન કરીને પસંદગીકારોની મુશ્કેલી વધારી દીધી છે જયારે વિજય શંકરની બેટિંગથી ટીમમાં એક નવો વિકલ્પ ઉભો થયો છે. એક મુલાકાતમાં પ્રસાદે વધુમાં જણાવ્યું કે પંત નિશ્ચિત રીતે રેસમાં છે. તેણે અમારી દુવિધા વધારી છે. જે સારી વાત છે. પંતે પાછલા એક વર્ષમાં તમામ ફોર્મેટમાં સારું પ્રદર્શન કર્યું છે. અમારું માનવું છે કે તેણે હજુ પરિપકવ બનવાની જરૂર છે.
વિશ્વ કપમાં પંતને બેટધર તરીકે જગ્યા મળી શકે છે. કારણ કે ધોનીની પસંદગી ફાઇનલ છે. જયારે બીજા વિકેટ કીપર તરીકે દિનેશ કાર્તિક પણ લગભગ તેનું સ્થાન પાકું કરી ચૂકયો છે. બીજી તરફ ટી-20માં વિજય શંકરે સારું પ્રદર્શન કરીને પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું છે. રહાણે પણ પ્રસાદે કહયું તેના માટે વિશ્વ કપની ટીમના દ્વાર બંધ થયા નથી. તે ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તે પણ વર્લ્ડ કપની ટીમની રેસમાં સામેલ છે.
પંત, રહાણે અને વિજય વર્લ્ડ કપ ટીમની રેસમાં : પ્રસાદ
