ગિરગામના ડૉક્ટર જોડે ત્રણ લાખ રૂપિયાની છેતરપિંડી

આરોપીએ પોતાના આંગળાની છાપનો જ ઉપયોગ કરીને તેમનું ખાતું હૅક કર્યું
મુંબઈ, તા. 11 :  તળમુંબઈના ત્વચાના એક્સપર્ટનું બૅન્ક ખાતું એક ઈસમે પોતાની આંગળાની છાપનો ઉપયોગ કરીને હેક કર્યું હતું. ગામદેવી પોલીસે 2.9 લાખ રૂપિયાની છેતરિપંડી કરનાર ઈસમની પુણેથી ધરપકડ કરી છે. તબીબ મોબાઈલ એપ્સનો ઉપયોગ કરીને બૅન્કોના વ્યવહારો કરતા હતા. 
પોલીસના જણાવ્યા પ્રમાણે ડૉક્ટર એસ.કદકીયા ગિરગામમાં ક્લિનિક ધરાવે છે. 21 નવેમ્બરે તેમને એક ફોન આવ્યો, જેમાં એમ જણાવવામાં આવ્યું કે હું બૅન્કનો અધિકારી બોલું છું. આરોપી બિપીન મોહોટો બિહારનો છે અને તેની પુણેથી ધરપકડ કરાઈ છે.  બિપીને ડૉક્ટરને એમ કહ્યું કે હું બેન્કનો એક્ઝીક્યુટીવ છું અને સ્માર્ટફોન પરની તેમની બૅન્ક અરજીને સુધારવાની જરૂર છે. તેણે ડૉક્ટરને  લિન્ક મોકલાવી અને કહ્યું કે આ તમે બીજા નંબરમાં ફોરવર્ડ કરો. તેણે ડૉક્ટરને તેમનો બૅન્ક અકાઉન્ટ પણ વાંચી સંભળાવ્યો જેથી તેમને વિશ્વાસ બેસે કે તે બૅન્કનો કર્મચારી છે.  આરોપીએ ડૉક્ટરને  કોઈ સવાલો કર્યા નહોતા અને કોઈ વિગતો શૅર કરવા જણાવ્યું નહોતું. ડૉક્ટરને `મોબાઇલ એપ્લીકેશનમાં રસ દાખવવા બદલ આભાર' એવા સંદેશા સાથે લિન્ક મોકલાવી. ડૉક્ટરે એમ માની લીધું છે કે આ લિન્ક બૅન્કે મોકલાવી છતાં એમ ધારીને ડૉક્ટરને  લિન્કની કોપી કરીને આરોપીએ આપેલા નંબર પર મોકલાવી હતી.  લિન્ક ફોરવર્ડ કરાતાં ડૉક્ટરને એવા ત્રણ મેસેજ મળ્યા હતા કે તેમના ખાતામાંથી અમુક રકમ ઉપાડવામાં આવી છે. કુલ 2.9 લાખ રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા. 
ડૉક્ટરે ઈ-મેલ તપાસ્યો માલૂમ પડયું કે તેમના ફિંગરપ્રિન્ટ એક્ટિવેટ કરવામાં આવ્યા છે. 
પોલીસ ઓફિસરે કહ્યું હતું કે ડૉક્ટરને ત્યારે જ ખબર પડી હતી કે તેમની સાથે છેતરિપંડી થઈ છે. અમે આ વ્યવહારોના લાભાર્થીને શોધી કાઢ્યો હતો. અમારી તપાસમાં માલૂમ પડયું હતું કે રકમ આરોપીના ખાતામાં ટ્રાન્સફર કરાઈ છે. અમે એનું ટ્રેકિંગ ચાલુ કર્યું અને અમે તેને પુણેથી પકડી પાડયો હતો. આરોપીએ એપ્સની ફિંગરપ્રિન્ટ અનલોક કરવાની સવલતને પોતાના ફિંગરપ્રિન્ટ  વડે એક્ટિવેટ કરી હતી અને ત્યાર બાદ નાણાં ઉપાડી લીધાં હતાં.

Published on: Tue, 12 Feb 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer