એશિયામાં મિશ્ર વલણ વચ્ચે સ્થાનિક શૅરબજારમાં નબળાઈ

એશિયામાં મિશ્ર વલણ વચ્ચે સ્થાનિક શૅરબજારમાં નબળાઈ
નિફ્ટી 55 પૉઇન્ટ ઘટાડે 10889
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 : શૅરબજારનો ઝોક આજે ધીમી મંદી તરફ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી અગાઉના બંધથી 55 (પંચાવન) પૉઇન્ટ ઘટીને 10,889ના સ્તરે બંધ આવ્યો હતો. જ્યારે બીએસઈ સેન્સેક્સ 151 પૉઇન્ટ ઘટીને 36,395ના સ્તરે બંધ રહ્યો હતો. આજના ઘટાડામાં મુખ્યત્વે અૉટો ક્ષેત્રે મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રા અને અશોક લેલેન્ડમાં નોંધપાત્ર ઘટાડાથી અૉટો ઇન્ડેક્સ 1.19 ટકા અને નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ ડૉ. રેડ્ડીસના ભાવ કડાકાથી 1.63 ટકા ઘટી ગયા હતા. ઉપરાંત બીએસઈ બજારમાં મિડકેપ ઇન્ડેક્સ 1.47 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ 1.51 ટકા ઘટયા હતા. નિફ્ટીના 29 શૅરના ભાવ ઘટવા સામે 21 શૅર સુધર્યા હતા.
ડૉલરનો ભાવ છ અઠવાડિયાંની ટોચે પહોંચવાથી એશિયન બજારમાં ચીનથી લઇને અૉસ્ટ્રેલિયા સુધી મિશ્ર વલણ હતું. સ્થાનિક બજારમાં અધૂરો ગણાતો વ્યાજ ઘટાડો અને વધતી રાજકીય અનિશ્ચિતતાને લીધે રોજરોજ મિડકેપ- સ્મોલકેપ શૅરોમાં ભાવ તૂટતા ગયા છે. નિફ્ટીના અગ્રણી શૅરોમાં દૈનિક ધોરણે દેખાતી વધઘટ ભ્રામક જણાઈ આવે છે. દરેક ઘટાડે ઊંચા ભાવથી શૅરો ઘસાઈ રહ્યા છે. અમેરિકાએ મોટી ક્રૂડતેલ રિફાઇનરી બંધ કરી છે. જેને ક્રૂડતેલ વપરાશમાં ઘટાડો થવાનો સંકેત મનાય છે.
આજે ઘટનાર અગ્રણી શૅરોમાં ડૉ. રેડ્ડીસ રૂા. 155, અલ્ટ્રાટેક રૂા. 108, આઇશર મોટર્સ રૂા. 94, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રૂા. 24, એલએન્ડટી રૂા. 15, બજાજ કિનસર્વ રૂા. 86, મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રા રૂા. 34, હીરો મોટર્સ રૂા. 50, એશિયન પેઇન્ટ રૂા. 12, એચયુએલ રૂા. 12, એક્સિસ બૅન્ક રૂા. 8, ગેઇલ રૂા. 8, બીપીસીએલ રૂા. 4 ઘટયા હતા. આજે સામા પ્રવાહે સુધારો દર્શાવવામાં ટિસ્કો રૂા. 12, સિપ્લા રૂા. 9, એચડીએફસી બૅન્ક રૂા. 17, એચસીએલ ટેક્નૉલૉજી રૂા. 11, મારુતિ સુઝુકીમાં રૂા. 44નો સમાવેશ હતો. વ્યક્તિગત શૅરમાં સન ટીવી નેટવર્કનો નફો 32 ટકા વધતા શૅર 10 ટકા ઊછળ્યો હતો. જેની સામે ગ્રેફાઇટ ઇન્ડિયામાં નબળા પરિણામથી શૅર 14 મહિનાના તળિયે રૂા. 574 ક્વૉટ થયો હતો. અગ્રણી એનલિસ્ટોના અગાઉના અનુમાન પ્રમાણે ટેક્નિકલી બજારમાં નબળાઈ પ્રવેશી ચૂકી છે. વૈશ્વિક અનિશ્ચિતતા અને ક્રૂડતેલના ભાવની વધઘટ સાથે વૈશ્વિક અર્થતંત્ર ધીમા પડવાના ભણકારાથી હવે અમેરિકા-ચીનની નવા ટ્રેડ કરારની આગામી વાટાઘાટના નિર્ણય સુધી બજારો સાઇડવેવમાં રહેવાની શક્યતા છે. સ્થાનિકમાં રોકાણકારોને નવા લેણમાં રસ નથી જ્યારે વિદેશી હેજ ફંડો અને સંસ્થાઓ ધીમે ધીમે ઊંચા ભાવ જાળવી રોકાણ છૂટું કરી રહ્યા છે એમ બ્રોકર સૂત્રો જણાવે છે. ટેક્નિકલી નિફ્ટીમાં હવે નીચેમાં 10,710 અને 10,630નો મહત્ત્વપૂર્ણ ટેકો ગણી શકાય.
વિદેશી - એશિયન બજાર
આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા-ચીનના ટ્રેડવોરમાં સમાધાન બાબતે અનિશ્ચિતતા ચાલુ રહેવાથી ડૉલરનો ભાવ છ અઠવાડિયાંની ટોચે ક્વૉટ થયો હતો. જેથી એશિયન બજારમાં આજે નવી લેવાલીથી સૂચકાંક વધ્યા હતા. ચીનનો બ્લૂચીપ ઇન્ડેક્સ 1.6 ટકા અને શાંઘાઈ કોમ્પોઝિટ 1.2 ટકા વધ્યા હતા. દક્ષિણ કોરિયામાં કોસ્પી 0.2 ટકા અને એશિયન બજારનો મુખ્ય એમએસસીઆઈ બ્રોડેસ્ટ ઇન્ડેક્સ અગાઉનો ઘટાડો પચાવી આજે સ્થિર હતો. જોકે, અૉસ્ટ્રેલિયામાં શૅરો 0.2 ટકા અને જપાનમાં નિક્કી ઘટયા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer