મુંબઈમાં મરાઠીભાષીઓની સંખ્યામાં ઘટાડો, ઉત્તર ભારતીયો વધી રહ્યા છે

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 : મુંબઈમાં અલગ-અલગ ભાષા બોલાતી હોય તોય મરાઠી ભાષા મુંબઈની મુખ્ય ઓળખ છે, પરંતુ છેલ્લાં થોડાં વર્ષોથી થતાં સ્થળાંતરોને લીધે મુંબઈની લોકસંખ્યામાં ફેરફાર થઈ રહ્યા છે. એને લીધે મરાઠી મુંબઈ હળવે-હળવે હિન્દી ભાષીઓનું શહેર બનવા તરફ આગળ ધપી રહ્યું છે. દરેક મુંબઈગરો મૂળ કયા રાજ્યમાંથી આવ્યો છે એ સંદર્ભે સંખ્યાત્મક વિશ્લેષણ કરતી કોઈ માહિતી ઉપબલ્ધ નથી.
માતૃભાષા સંદર્ભનો 2011ના વર્ષનો વસ્તી ગણતરીનો જે અહેવાલ છે એ મુજબ મુંબઈમાં હિન્દીભાષીઓની સંખ્યા 40 ટકા જેટલી વધી છે. 2001માં  મુંબઈમાં હિન્દીભાષીઓની સંખ્યા 25.88 લાખ હતી એ 2011માં 35.98 લાખ થઈ ગઈ હતી.
જોકે એ વખતે મરાઠીભાષીઓની સંખ્યામાં 2.64 ટકા જેટલો ઘટાડો થયો હતો. 2001માં 45.23 લાખ લોકોએ મરાઠી માતૃભાષા હોવાનું કહ્યું હતું. 2011માં એ જ પ્રમાણ 44.04 લાખ થયું હતું.
મુંબઈની પાડોશમાં આવેલા થાણે અને રાયગડમાં પણ લોકસંખ્યામાં એ હેરફાર જોવા મળે છે. થાણે-રાયગડમાં પણ હિન્દીભાષીઓની સંખ્યામાં 80 ટકા જેટલો વધારો થયો છે. બદલાતી લોકસંખ્યાને લીધે સરકારના નિયોજન અને ધોરણમાં જ ફેરફાર થતો નથી, એ વિસ્તારોમાં નવું રાજકારણ પણ આકાર લે છે. સ્થાનિક વિરુદ્ધ પરપ્રાંતીય સંઘર્ષ મુંબઈએ અનેક વખત અનુભવ્યો છે. 2009ની વિધાનસભાની ચૂંટણીમાં રાજ ઠાકરેના મનસેને એ જ મુદ્દાનો લાભ મળ્યો હતો. એ વખતે એક ધડાકામાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના 13 વિધાનસભ્યો ચૂંટાયા હતા.
મુંબઈ અગાઉ બંદરના શહેર તરીકે ઓળખાતું હતું. મુંબઈમાં કપડાંની મિલો શરૂ થયા બાદ કોંકણ અને પશ્ચિમ મહારાષ્ટ્રમાંથી અનેક લોકો મુંબઈમાં આવીને સ્થાયી થઈ ગયા હતા અને તેઓની મુખ્ય ભાષા મરાઠી હતી. છેલ્લાં 40 વર્ષમાં ઉત્પાદન કેન્દ્રથી સેવા ઉદ્યોગ એટલો ફેરફાર મુંબઈમાં થયો છે, એને લીધે સ્થળાંતરની પેટર્ન પણ બદલાઈ છે. જોકે હવે મિલોમાંની નોકરી તદ્દન ઘટી જતાં મુંબઈમાં ઉત્તર પ્રદેશ અને બિહારમાંથી લોકો આવવા માંડયા અને એકદમ ઓછા પગારમાં એ કામદારો ઉપલબ્ધ થતા રહ્યા. એને લીધે મુંબઈ મરાઠીભાષીઓનું શહેર મટીને હિન્દીભાષીઓનું શહેર બની રહ્યું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer