પૈસા જોઈએ કે દુકાન? નક્કી કરવા માટે મળશે હવે 37 દિવસનો સમય

વિકાસકાર્યોની આડે આવતાં બાંધકામ ત્યાર બાદ તોડી પડાશે
મુંબઈ, તા. 11 : મુંબઈના તમામ પ્રોજેક્ટનો માર્ગ મોકળો બની ગયો છે. રોડનું વિસ્તારીકરણ, નાળાનું પહોળીકરણ તથા બ્રિજનિર્માણ સહિતના તમામ પ્રોજેક્ટની વચ્ચે આવતી દુકાનોને રોકડ રકમ વળતરરૂપે આપવામાં આવશે. બીએમસી (બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન)એ એ સદર્ભનો સર્ક્યુલર મોકલી દીધો છે. એ મુજબ દુકાનમાલિકોને રોકડા રૂપિયા અથવા દુકાનનો વિકલ્પ ચૂંટવા માટે 30 દિવસનો સમય અપાશે. એટલા સમયમાં જો નિર્ણય નહીં લેવાય તો પછીના 7 દિવસ બાદ દુકાનને તોડી પાડવામાં આવશે અને એ માટે ભવિષ્યમાં વળતરનો વિકલ્પ ખુલ્લો રહેશે. એટલે કે જો દુકાનમાલિકો કૅશ રૂપિયા લેવાની ના પાડે તો બીએમસી એ દુકાન તોડી પાડશે. જોકે એને લીધે એસવી રોડ અને એલબીએસ રોડ જેવા માર્ગો પહોળા કરવાની ઝંઝટ ખતમ થઈ જશે.
બીએમસી સભાગૃહમાં રોકડ વળતર ચૂકવવાની પૉલિસી ગયા વર્ષે અૉક્ટોબરમાં પાસ થઈ હતી, પરંતુ એનો સર્ક્યુલર આ વર્ષે જાન્યુઆરીના અંતમાં નીકળ્યો હતો. જોકે સર્ક્યુલર ન નીકળવાથી એ પ્રોજેક્ટમાં આગળ નહોતું વધી શકાતું. ઘણા પ્રોજેક્ટ માટે અધિકારીઓ ઘણા લાંબા સમયથી સર્ક્યુલર નીકળવાની રાહ જોઈ રહ્યા હતા.
બીએમસીના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે અમે સર્ક્યુલર બહાર પાડી દીધો છે. પ્રોજેક્ટની આડે આવતાં વિઘ્નો હવે ઓછાં થઈ જશે.
જૂની દુકાનોના માલિકોને પણ એ માટે વિકલ્પ અપાયો છે. 2017ની 1 જાન્યુઆરી પછી કોઈની દુકાન તોડી પડાઈ હશે અને દુકાનમાલિકે વૈકલ્પિક જગ્યા નહીં લીધી હોય એવા દુકાનમાલિકને પણ ઈસીએસ (ઇલેક્ટ્રૉનિક ક્લિયરિંગ સર્વિસ)ના માધ્યમથી વળતર ચૂકવવામાં આવશે.
બીએમસી પાસે દુકાનમાલિકોને દુકાન માટે આપવાની જગ્યા ઘણી ઓછી બચી છે. જોકે બોરીવલી-દહિસરમાં વધુપડતો હિસ્સો છે. બજાર વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે દુકાનમાલિકોએ જગ્યા અને રોકડ રૂપિયા એ બેમાંથી એક વિકલ્પ ચૂંટવો પડશે.

Published on: Tue, 12 Feb 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer