ઉરી : આર્મી છાવણીમાં આતંકી હુમલો વિફળ : બે આતંકી ઠાર

જમ્મુ તા. 11: જમ્મુ કાશ્મીરના સરહદી નગર ઉરીમાં રાજારવાનીમાંના આર્મી આર્ટિલરી એકમ ઉપર મોટો આતંકી હુમલો કરવાની સાજીશ સલામતી દળોએ આજે વિફળ બનાવી હતી.  એકમ ખાતે તૈનાત દળોના કર્મીઓએ ગઈ મોડી રાતે એકમની છાવણી ખાતે કશીક શંકાસ્પદ હિલચાલ થતી ભાળી હતી અને કોઈ સંભવિત હુમલો થતો રોળી નાખવા ગોળીબાર કર્યા હતા. બિનસમર્થિત અહેવાલો જણાવે છે કે સલામતી દળના કર્મીઓના એ ગોળીબારમાં ઓછામાં ઓછા બે ત્રાસવાદી માર્યા ગયા હતા.સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવાયો હતો અને  રાજય પોલીસ તથા આર્મી દ્વારા મોટા પાયે કોમ્બીંગ અને સર્ચ કારવાઈ ચાલી રહી છે. આર્મીના અને કેન્દ્રિય અર્ધલશ્કરી દળના તમામ સ્થાનિક એકમોને સતર્ક કરાયા છે. આર્મી છાવણી ફરતેની સલામતી કડક બનાવાઈ છે.
રાજયના કુલગામ જિલ્લામાં સલામતી દળો સાથેની અથડામણમાં હિઝબુલ મુજાહિદ્દીન અને લશ્કરે તૈયબાના પાંચ ત્રાસવાદી માર્યા ગયાના બીજા દિવસે આ બન્યું હતું.

Published on: Tue, 12 Feb 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer