મુંબઈના નવા પોલીસ કમિશનર કોણ, પરમબીર સિંહ કે સંજય બર્વે?

મુંબઈના નવા પોલીસ કમિશનર કોણ, પરમબીર સિંહ કે સંજય બર્વે?
મુંબઈ, તા. 11 : રાજ્યના પોલીસ મહાસંચાલક દત્તાત્રય પડસલગીકરની કારકિર્દી આ મહિનાના અંતે પૂરી થઈ જશે અને ત્યાર બાદ તેમના પદે મુંબઈના કમિશનર સુબોધ જયસ્વાલ બિરાજશે. એટલે તેમની જગ્યાએ કોની નિમણૂક થવાની છે એ તરફ બધાનું ધ્યાન દોરવાયું છે. અપર મહાસંચાલક (કાયદો-વ્યવસ્થા) પરમબીર સિંહ તથા લાંચરુશવત વિરોધી વિભાગના મહાસંચાલક સંજય બર્વેના નામની ચર્ચા ચાલી રહી છે, જેમાં પરમબીર સિંહનું નામ આગળ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
લોકસભા અને ત્યાર બાદ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ મુંબઈના પોલીસ કમિશનરની નિયુક્તિ અત્યંત મહત્ત્વની ઠરશે. એટલે નવા કમિશનરની નિમણૂક કરવાનું મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ માટે અઘરું સાબિત થવાનું છે. નવા પોલીસ કમિશનરની સાથોસાથ ડિપાર્ટમેન્ટના વરિષ્ઠ સ્તરનાં અમુક પદોમાં પણ ફેરફાર થવાની શક્યતા દર્શાવાઈ રહી છે.
પડસલગીકરની બે વર્ષની મુદત વધારવાના પ્રસ્તાવને કેન્દ્ર સરકારે ફગાવી દીધો છે એટલે 28 ફેબ્રુઆરીએ તેઓ નિવૃત્ત થઈ જશે. ત્યાર બાદ 1985ના આઈપીએસ બૅચના અધિકારી અને છેલ્લા આઠ મહિનાથી મુંબઈની ધુરા સંભાળી રહેલા સુબોધ જયસ્વાલની ડીજીપી (ડિરેક્ટર જનરલ અૉફ પોલીસ)ના પદે પસંદગી લગભગ નક્કી થઈ ગઈ છે. એટલે હવે તેમનો ઉત્તરાધિકારી કોને બનાવાશે એ તરફ ઉત્સુક્તા વધી છે. એ પદ માટે જયસ્વાલની નિમણૂક પહેલાં સંજય બર્વે અને પરમબીર સિંહનાં નામ છેલ્લાં દોઢ-બે વર્ષથી સાતત્યપૂર્વક લેવાઈ રહ્યાં છે અને અત્યારે પણ એ બે નામ ટોચ પર છે.
મુંબઈના કમિશનરપદે શરૂઆતમાં રાજ્યના ગુપ્તવાર્તા વિભાગના આયુક્ત અને સિનિયર અૉફિસર રશ્મિ શુક્લનું નામ પણ શરૂઆતમાં લેવાઈ રહ્યું હતું, પણ પડસલગીકરની બે વર્ષની મુદતે વધારી આપવાનો પ્રસ્તાવ નકારાતાં તેમને તક ન મળી શકી. સંજય બર્વે અને પરમબીર સિંહ સિનિયર આઈપીએસ હોવાથી રશ્મિ શુક્લને તક નહીં મળે એવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

Published on: Tue, 12 Feb 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer