35 વર્ષે પ્રતિભા ટાવર જમીનદોસ્ત થશે

35 વર્ષે પ્રતિભા ટાવર જમીનદોસ્ત થશે
મુંબઈ, તા. 12 : શહેરના તત્કાલીન કલેક્ટર અરુણ ભાટિયાએ પ્રતિભા ટાવરમાં નિયમના ભંગ ખુલ્લા પાડયા એનાં 35 વર્ષ બાદ ભષ્ટ્રાચારના પ્રતીકસમા આ ટાવરને તોડી પાડવાનું કામ પુરજોશમાં ચાલુ છે.
પેડર રોડ- બ્રિચકેન્ડી એરિયા સ્થિત આ ટાવરનું `હાડપિંજર' શહેરના સૌથી મોટા ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ (એફએસઆઈ) કૌભાંડનું મૂક સાક્ષી છે. 36 માળની ઇમારતના આઠ ગેરકાયદે માળનું 1990ના દાયકાના મધ્યમાં પાલિકાએ વિધ્વંશ કર્યો હતો.
મકાનના દરેક માળમાં બે વૈભવશાળી ફ્લેટ હતા. આ ફ્લેટ ખરીદનારા અતિશય તવંગર લોકો હતા, આમાં બિનભારતીય રહેવાસીઓ (એનઆરઆઈ), ખાનગી કંપનીઓ, પાર્શ્વગાયિકા લતા મંગેશકર અને આશા ભોસલેનો સમાવેશ થાય છે.
ટાવરની 35 સભ્યોની હાઉસિંગ સોસાયટીએ તાજેતરમાં બાકીના 26 માળ તોડી નાખવાનો નિર્ણય લીધો હતો. ડિમોલિશનનું કાર્ય પુરજોશમાં ચાલુ છે. અનેક કામદારો ઉપરના માળનાં કોલમ અને પિલર તોડવાના કામમાં લાગી પડયા છે. રાહદારીઓને ઇમારતની નજીકથી પસાર ન થવા અને મોટરિસ્ટોને લેનમાં કાર પાર્ક ન કરવાની ચેતવણી અપાઈ છે. આખી સાઈટની નજીક અંતરાયો ઊભા કરાયા છે. પ્રવેશદ્વારમાં સિક્યોરિટી ગાર્ડ ગોઠવામાં આવ્યા છે.
પ્રતિભા ટાવરના સેક્રેટરી જયંત વોરાએ દુબઈથી વાત કરતાં કહ્યું હતું કે એ નિર્ણય હજી નથી લેવાયો કે ટાવરનું નવનિર્માણ કરવું કે જમીન વેચી નાખવી. બધા જ સભ્યોને એકોમોર્ડર કરવા અમારી પાસે ટાવરનું કદ ઘટાડવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.
બાર જુલાઈ 1984એ મહેસૂલ ખાતાએ પાલિકાના પ્રતિભા ટાવરના નિયમના ભંગની જાણ કરી હતી. જોકે પાલિકા ત્રણ અઠવાડિયાં બાદ કામ અટકાવી નોટિસ મોકલે એ પહેલાં 36 માળ બંધાઈ ગયા હતા.
હવે મકાન જમીનદોસ્ત થઈ ગયા બાદ રહેવાસીઓ તેની જમીન વેચી દેશે કે ત્યાં નવેસરથી ટાવર બાંધશે તે સંદર્ભમાં હજી સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી.

Published on: Tue, 12 Feb 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer