દિલ્હીના કરોલ બાગની હૉટેલમાં આગ : 17નાં મોત

દિલ્હીના કરોલ બાગની હૉટેલમાં આગ : 17નાં મોત
નવી દિલ્હી, તા. 12 : દિલ્હીના કરોલ બાગ સ્થિત એક હૉટેલમાં વહેલી પરોઢિયે લાગેલી આગમાં 17 લોકોનાં મરણ થયાં છે, જેમાંના 9 લોકો ભૂંજાઈ ગયા હોવાની, જ્યારે સાત જણ ગંભીર રીતે દાઝી ગયાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે. 
પ્રાપ્ત વિગતો મુજબ કરોલ બાગ સ્થિત અર્પિત પેલેસ હૉટેલમાં પરોઢિયે આગ લાગી હતી. સવારે 4.35 કલાકે ફાયરને આગ લાગી હોવાનો ફોન આવ્યો હોવાનું ડૅપ્યુટી ચીફ ફાયર ઓફિસર સુનીલ ચૌધરીએ જણાવ્યું હતું. આગની ઘટનાને પગલે 17 લોકોનાં મોત થયાં છે. મૃતકોની લાશ હૉટેલમાંથી બહાર કાઢવામાં આવી હતી. 
ફાયર અધિકારી વિપિન કેન્ટાના જણાવ્યા મુજબ `આગ'ને પગલે ગભરાટમાં આવી જઈ બે લોકોએ હૉટેલમાં ઉપરથી કૂદકો માર્યો હતો. બિલ્ડિંગના કોરિડોરમાં લાકડાનું પેનાલિંગ કર્યું હોવાથી લોકો બહાર નીકળવા માટે તેનો ઉપયોગ કરી શક્યા ન હતા. 
કરોલ બાગના ગુરુદ્વારા રોડ પર આવેલી હૉટેલ અર્પિત પેલેસમાં આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી. દિલ્હી ફાયરની 26 ગાડીઓ આગ બુઝાવવા માટે ઘટનાસ્થળે પહોંચી છે. ડૅપ્યુટી ચીફ ફાયર ઓફિસરના મતે 25 લોકોને સલામત રીતે હૉટેલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
એક બીજા અહેવાલ પ્રમાણે મૃતકોમાં સાત પુરુષ, એક બાળક અને એક મહિલાનો સમાવેશ થાય છે. આગ મેટ્રોના પીલર નંબર 90 પાસે આવેલી અર્પિત પેલેસ હૉટલમાં લાગી હતી.
હૉટલમાં આગ લાગવાને કારણે લોકો જીવ બચાવવા માટે હૉટલના ચોથા માળેથી નીચે કૂદી ગયા હતા. મળતી માહિતી પ્રમાણે જીવ બચાવવા માટે ચાર લોકો નીચે કૂદી ગયા હતા. ફાયર બ્રિગેડના જણાવ્યા પ્રમાણે  25 લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.
આ હૉટલમાં 40 રૂમ આવેલા છે. પ્રાથમિક અંદાજ એવો લગાવવામાં આવ્યો છે કે આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોઈ શકે છે. ઘાયલ લોકોને સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 
આગને પગલે હૉટેલમાં અંદર ફસાયેલા લોકોની શોધખોળ માટેની કવાયત આ લખાય છે ત્યારે ચાલુ છે.

Published on: Tue, 12 Feb 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer