31 માર્ચ સુધી ચૅનલો પસંદ ન કરનાર ગ્રાહકો માટે બેસ્ટ ફિટ પ્લાન

મુંબઈ, તા. 15 : મનગમતી ચૅનલોની યાદી આપવામાં અનેક ગ્રાહકો નિષ્ફળ રહ્યા હોવાથી ટેલિકોમ રેગ્યુલેટરી અૉથોરિટી અૉફ ઈન્ડિયા (ટ્રાય) એ મુદત વધારીને 31 માર્ચ સુધી કરી છે. 31 માર્ચ સુધીમાં જે ગ્રાહકો મનપસંદ ચૅનલોની યાદી બનાવીને નહીં આપે કે નવા નિયમ પ્રમાણે નવો પ્લાન નક્કી નહીં કરે તો તેમને `બેસ્ટ ફિટ પ્લાન' દ્વારા કેબલ અને ડીટીએચ સેવા પૂરી પાડવામાં આવશે. 
કેબલ ઓપરેટર કે ડીટીએચ સેવા પૂરી પાડતા સર્વિસ પ્રોવાઈડર ગ્રાહકો દ્વારા સર્વસામાન્ય રીતે જોવાતી ચૅનલોનો અભ્યાસ કરીને સેવા આપશે. બેઝિક પૅકેજમાં 100 ચૅનલના 130 રૂપિયા અને તેના પર 18 ટકા જીએસટી એમ કરીને 154 રૂપિયા અને બાકીની ચેનલોની કિંમત ઉમેરીને વર્તમાન પૅકેજની કિંમત જેટલા જ દર હોય તેનું બેસ્ટ ફિટ પ્લાનમાં ખાસ ધ્યાન રાખવામાં આવશે. 
દેશમાં અત્યારે 10 કરોડ કેબલ ટીવી ગ્રાહક અને 6.7 કરોડ ડીટીએચ સેવાના ગ્રાહકો છે. જેમાંથી કેબલના 65 ટકા અને ડીટીએચ સેવાના 35 ટકા ગ્રાહકોએ પોતાની પસંદગીની ચૅનલોની યાદી બનાવી છે. જ્યારે બાકીના ગ્રાહકોએ હજી સુધી આ બાબતે ગંભીરતા દેખાડી નથી. બેસ્ટ ફિટ પ્લાનમાં અત્યારની કિંમત કરતાં વધુ કિંમત વસૂલવાની ફરિયાદ આવશે તો સંબંધિતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવો આદેશ ટ્રાઇએ આપ્યો છે. 
શું છે બેસ્ટ ફિટ પ્લાન?
  • જે ગ્રાહકોએ મનપસંદ ચૅનલોની યાદી બનાવી નથી તેમના માટે આ બેસ્ટ ફિટ પ્લાન યોજના છે.
  • ગ્રાહકો દ્વારા સતત જોવાતી ચૅનલોનો આમાં સમાવેશ કરવામાં આવશે. આ પ્લાનની કિંમત અત્યારના કેબલ, ડીટીએચના દર કરતાં વધારે નહીં હોય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. 
  • ગ્રાહકો ક્યારે પણ પોતાની મનપસંદ ચૅનલોની યાદી બનાવીને આપી શકશે. 
  • મનપસંદ ચૅનલોની પસંદગી કર્યા બાદ વર્તમાન પૅકેજની કિંમત કરતાં વધારે કે ઓછા દર થશે તે પ્રમાણે કિંમત વસૂલવામાં આવશે.
  • જો ગ્રાહકો 31 માર્ચ 2019 સુધીમાં મનગમતી ચૅનલોની પસંદગી નહીં કરે તો બેસ્ટ ફિટ પ્લાન પ્રમાણે  ચૅનલો દેખાડવામાં આવશે અને તે જ પ્રમાણે કિંમત વસૂલવામાં આવશે. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer