અૉસ્ટ્રેલિયાની એલિસા હિલીનો સૌથી ઊંચો કેચ પકડવાનો વર્લ્ડ રેકર્ડ

અૉસ્ટ્રેલિયાની એલિસા હિલીનો સૌથી ઊંચો કેચ પકડવાનો વર્લ્ડ રેકર્ડ
82.5 મીટર ઊંચો કૅચ ઝડપી ગિનેસ બુકમાં નામ નોંધાવ્યું

મેલબોર્ન, તા.22: ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમની વિકેટકીપર એલિસા હિલીએ 82.5 મીટર ઉંચો કેચ ઝડપીને ઇતિહાસ રચ્યો છે. આ સિધ્ધિ બદલ એલિસા હિલીનું નામ ગિનેસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ગુરુવારે ગિનેસ બૂકના અધિકારીઓની હાજરીમાં એલિસા હિલીએ આ સિધ્ધિ હાંસલ કરી હતી. એલિસાએ ત્રીજા પ્રયાસમાં 82.5 મીટર ઉપરથી આવેલ દડો પોતાના ગ્લોવઝમાં કેચ કરી લીધો હતો. આ પહેલા પાછલો રેકોર્ડ 62 મીટરનો હતો. જે ક્રિસ્ટન બોમગાર્ટનરના નામે હતો. તેણે યૂકેમાં 2016માં આ રેકોર્ડ બનાવ્યો હતો. એ જ વર્ષે ઇંગ્લેન્ડના પૂર્વ સુકાની નાસિર હુસેને 49 મીટર ઉંચો કેચ લીધો હતો. 
એલિસાએ 64 મીટરથી શરૂઆત કરી હતી. બીજા પ્રયાસમાં 64 મીટરની ઉંચાઈથી કેચ લીધો હતો. આ પછી ઉંચાઇ વધારી હતી. 72.3 મીટરનો કેચ ઝડપી લેવાથી એલિસાનો આત્મવિશ્વાસ વધ્યો હતો.  આ પછી તેણે 82.5 મીટરની ઉંચાઇ સુધી દડો લઇ જવાનો નિર્ણય લીધો હતો. જેમાં પહેલા બે પ્રયાસમાં અસફળ રહયા બાદ ત્રીજા પ્રયાસમાં કેચ પકડીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. એલિસાએ આ સિધ્ધિનો વીડિયો ઓનલાઇન શેર કર્યોં છે. એલિસા હિલી ઓસ્ટ્રેલિયાની પુરુષ ક્રિકેટ ટીમના પૂર્વ વિકેટકીપર ઇયાન હિલીની ભત્રીજી અને હાલના ઝડપી બોલર મિશેલ સ્ટાર્કની પત્ની છે. એલિસા હિલી 2018માં ટી-20ની શ્રેષ્ઠ મહિલા ક્રિકેટર તરીકે આઇસીસી દ્વારા જાહેર થઇ હતી. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer