આવતા વર્ષે ખાંડનું ઉત્પાદન ત્રણ વર્ષના તળિયે બેસવાની શક્યતા

આવતા વર્ષે ખાંડનું ઉત્પાદન ત્રણ વર્ષના તળિયે બેસવાની શક્યતા
નવી દિલ્હી, તા. 22 : 1 અૉક્ટોબરથી શરૂ થનારી નવી મોસમમાં ખાંડનું ઉત્પાદન ઘટીને ત્રણ વર્ષના તળિયે જવાની શક્યતા છે. પશ્ચિમ ભારતનાં કેટલાંક મોટાં ઉત્પાદક રાજ્યોમાં સૂકા હવામાનને લીધે શેરડીનું વાવેતર ઘટવાથી ખાંડનું ઉત્પાદન 300 લાખ ટનથી પણ નીચે જઈ શકે એમ નેશનલ ફેડરેશન અૉફ કૉ-ઓપરેટિવ સુગર ફેકટરીઝના મૅનેજિંગ ડિરેક્ટર પ્રકાશ નાઇક નવરેએ જણાવ્યું હતું.
વર્તમાન મોસમ (અૉક્ટોબર 2018- સપ્ટેમ્બર 2019)માં ખાંડનું ઉત્પાદન 315 લાખ ટન થવાનો અંદાજ છે. 2017-18ની મોસમમાં તે 325 લાખ હતું, એવું ઇન્ડિયન સુગર મિલ્સ ઍસોસિયેશન જણાવે છે.
ભારતમાં શેરડીનો પાક ઓછો ઊતરે અને ખાંડનું ઉત્પાદન ઘટે તો તેની નિકાસ પણ ઓછી થશે અને આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ભાવને ટેકો મળી જાય. માલ ભરાવાના ભયથી આંતરરાષ્ટ્રીય બજારમાં ખાંડના ભાવ 2018માં 21 ટકા ઘટયા હતા. ભારત તેના સ્થાનિક ઉત્પાદનના કદના આધારે ખાંડનો આયાતકાર કે નિકાસકાર દેશ બને છે.
`મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં દુકાળને લીધે વાવણી ઉત્સાહ વગરની છે' એમ નાઇક નવરેએ જણાવ્યું હતું. `વાવણીની ઝડપ જોતાં આવતે વર્ષે વાવેતર ઘટવાની શક્યતા લાગે છે.' ખાંડના ઉત્પાદનમાં ત્રીજા ક્રમે આવતા કર્ણાટકમાં પણ દુકાળ જેવી પરિસ્થિતિ છે, એમ તેમણે જણાવ્યું હતું.
વર્તમાન મોસમ માટે સરકારે ખાંડની નિકાસ માટે 50 લાખ ટનનો લક્ષ્યાંક ઠરાવ્યો છે, પરંતુ વાસ્તવિક નિકાસ 25-30 લાખ ટન જેટલી થશે એમ નાઇક નવરેએ કહ્યું હતું. `માર્ચ-એપ્રિલમાં બ્રાઝિલનો નવો પાક બજારમાં આવે ત્યાં સુધીમાં ભારત માટે નિકાસની તકો સમાપ્ત થઈ જશે, એમ તેમણે ઉમેર્યું હતું.
ખાંડના લઘુતમ વેચાણભાવમાં કરાયેલો વધારો પણ નિકાસ માટે પ્રતિકૂળ નીવડશે, એમ નાઇકનવરેએ જણાવ્યું હતું.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer