વૈશ્વિક સોનામાં પ્રત્યાઘાતી ઘટાડો

વૈશ્વિક સોનામાં પ્રત્યાઘાતી ઘટાડો
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 22 : ગઇકાલે ફેડરલ રિઝર્વની છેલ્લી બેઠકની મિનિટસની જાહેરાત થઇ હતી. અમેરિકા ચાલુ વર્ષે એકથી વધુ વખત વ્યાજદર વધારો કરશે તેવા સંકેતો મિનિટસ પરથી મળવાને લીધે ડોલર ફરી સુધરતા સોનાનો ભાવ 10 મહિનાની ઊંચાઇથી ઘટીને 1336 ડોલર સુધી પહોંચ્યો હતો. ફેડ વ્યાજદર વધારશે એવું કારણ આવતા સોનાની તેજી અટકી જરૂર છે પરંતુ સૌની નજર અમેરિકા અને ચીન વચ્ચે વેપારયુદ્ધ મામલે થઇ રહેલી વાતચીત ઉપર છે. ગઇકાલે સોનાનો ભાવ વૈશ્વિક બજારમાં 1346 ડોલર સુધી પહોંચ્યું હતું. જોકે આજે પ્રત્યાઘાતી ઘટાડો હતો.
સીએમસી માર્કેટના વિશ્લેષકે કહ્યું હતું કે એકધારી તેજી પછી સોનામાં ટેક્નિકલ અને ફંડામેન્ટલ કારણોસર વેચવાલી નીકળી હતી. ફેડ મિનિટસમાં ચીલાચાલુ વાતો જ કરવામાં આવી છે છતાં ડોલર વધ્યો છે. 
ચાર્ટિસ્ટોના મતે સોનાને 1300 ડોલરની સપાટીએ મહત્ત્વનો ટેકો મળશે. 1326 ડોલર ઉપર રહે ત્યાં સુધી વધુ ઘટાડાની શક્યતા નથી. 1355 વટાવે તો 1372 ડોલર સુધીની તેજી આવી શકે છે. ન્યૂ યોર્કમાં ચાંદીનો ભાવ પણ આગલા દિવસથી ઘટયો હતો. આ લખાય છે ત્યારે 15.86 ડોલરની સપાટીએ રનિંગ હતી.
રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનું 10 ગ્રામે રૂા. 100ના ઘટાડામાં રૂા. 34,300 અને મુંબઇમાં રૂા. 170 ઘટતા રૂા. 33,680 હતો. ચાંદીનો ભાવ રાજકોટમાં રૂા. 100ના ઘટાડે રૂા. 40,800 અને મુંબઇમાં રૂા. 330ના ઘટાડા સાથે રૂા. 40,300 હતો.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer