મરાઠાઓ મંગળવારથી મુંબઈમાં ફરી ધરણા-આંદોલન કરશે

મુંબઈ, તા. 22 : સરકારે મરાઠા આરક્ષણની જાહેરાત તો કરી, પણ એની અમલબજાવણી થતી હોવાનું દેખાતું ન હોવાથી મરાઠા સમાજના મરાઠા ક્રાન્તિ મોરચાએ ફરી ઉપવાસ આંદોલન છેડવાની ચીમકી આપી છે. સરકાર પર નારાજ મરાઠા સમાજના સભ્યો 26 ફેબ્રુઆરીથી આઝાદ મેદાનમાં ધરણા-આંદોલન કરવાના છે.
રાજ્યભરમાં કાઢવામાં આવેલા 60 જેટલા મોરચા બાદ રાજ્ય સરકારે મરાઠા સમાજને સરકારી નોકરી અને શિક્ષણમાં 16 ટકા આરક્ષણ આપવાનું જાહેર કર્યું હતું, પણ એની કશી અમલબજાવણી થતી હોવાનું દેખાતું નથી એટલે મરાઠા સમાજ નારાજ છે. એ ઉપરાંત અણ્ણાસાહેબ પાટીલ આર્થિક માગાસ વિકાસ મહામંડળ અંતર્ગત કોઈ લોન પણ મળતી નથી એવા મહત્ત્વના પ્રશ્ને મરાઠા સમાજે ઉપોષણ-આંદોલન કરવાનો નિર્ણય કર્યો છે. મરાઠાને 16 ટકા આરક્ષણ જાહેર કર્યા બાદ એની વિરુદ્ધ કોર્ટમાં યાચિકા દાખલ થઈ હતી. એના પર હાલમાં મુંબઈ વડી અદાલતમાં સુનાવણી ચાલી રહી છે. પછાત વર્ગ પંચે આપેલા અહેવાલ બાદ મરાઠા સમાજને આરક્ષણ આપવાનો નિર્ણય લેવાયો હતો.
આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સરકારને મરાઠા સમાજની નારાજગી રાજકીય દૃષ્ટિએ પરવડશે નહીં એટલે સરકારે જેમ બને એમ વહેલો એનો ઉકેલ લાવવો પડશે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer