ટ્રેનના બદલાયેલા સમયથી અજાણ પ્રવાસીઓ પર તૂટી પડી આફત

આઈઆરસીટીસી ફેલ?

મુંબઈ, તા. 22 : રેલવે મંત્રાલય અને સરકારના જણાવ્યા મુજબ છેલ્લાં 4થી 5 વર્ષમાં રેલવેની સિસ્ટમ ઘણી સુધરી છે. પ્રવાસીઓ અને રેલવે વચ્ચે સંદેશવ્યવહારના અદ્યતન વિકલ્પ વિકસાવામાં  આવ્યા છે. પરંતુ ટ્રેનોનો ઉપડવાનો અને આવવાનો સમય બદલાઈ જાય છે અને પ્રવાસીઓને 20થી 25 દિવસ સુધી તેની કોઈ જાણ થતી નથી. તો આ અદ્યતન સિસ્ટમને પણ નિષ્ફળ સિસ્ટમ ગણાવી શકાય.
ગત 19 જાન્યુઆરીથી ટ્રેન નંબર 22121 એલટીટી- લખનૌ સુપરફાસ્ટ એક્સ્પ્રેસનો ઉપડવાનો સમય 40 મિનિટ વહેલો કરવામાં આવ્યો છે.
આથી અનેક પ્રવાસીઓ ટ્રેન ચૂકી જાય છે ત્યારે એલટીટી પર કેટલાક માથાભારે ટૅક્સીવાળાઓના એક રેકેટથી પ્રવાસીઓ ઠગાઈ રહ્યા છે.
આવી થઈ પ્રવાસીઓની હાલાકી
ગત 16 ફેબ્રુઆરીએ ટ્રેન નં. 22121 પકડવા ભાઇંદરના જગદીશ ચૌરસિયા (47), તેમનાં પત્ની શશિ ચૌરસિયા (46) અને ભાણેજ કાજલ ચૌરસિયા (23) ભાઇંદરથી નીકળીને બપોરે 1.30 વાગે એલટીટી પહોંચ્યાં હતાં. તેમને કાનપુર જવું હતું. શશીને ચાલવામાં તકલીફ થતી હતી. આથી પ્લેટફોર્મ નંબર એક પર ઊભેલી ટ્રેનના ડબામાં સામાન રાખવા જગદીશભાઈ અને કાજલ જાય છે. એ પછી કાજલ ટ્રેનમાં જ રહે છે અને જગદીશભાઈ પત્ની શશીને લેવા જાય છે. એટલામાં ટ્રેન ચાલવા લાગી. કારણ કે ટ્રેન ઉપડવાનો નવો સમય બપોરે 2.20ને બદલે બપોરે 1.40 વાગ્યાનો કરવામાં આવ્યો હતો. જેથી ચૌરસિયા પરિવાર અજાણ હતો. આથી ટ્રેનમાં કાજલ અને ટ્રેન બહાર ઊભા જગદીશ અને શશી બૂમો પાડતાં રહ્યાં. પરંતુ ટ્રેનમાં હાજર ટીસી અને સલામતી રક્ષકે કાજલને ટ્રેનની સાંકળ ખેંચવાનો ઇનકાર કરી દીધો. ટ્રેનના ગાર્ડે પણ આ બૂમાબૂમ સાંભળી હતી પણ ટ્રેનને ઊભી નહીં રાખી, એવો દાવો શશી ચૌરસિયાએ કર્યો હતો.
આઈઆરસીટીસી નિષ્ફળ
આજ ટ્રેનમાં 9 ફેબ્રુઆરીએ વિભોર કટિયાર પોતાના ચાર મહિનાના બાળક અને વયોવૃદ્ધ માની સાથે બપોરે 1.50 વાગે એલટીટી પહોંચ્યા ત્યારે ટ્રેન રવાના થઈ ચૂકી હતી. વિભોરે આઈઆરસીટીસી મારફતે ટિકિટ બુક કરાવી હતી. જે સામાન્ય રીતે ટ્રેન રવાના થતાં પહેલાં એસએમએસ મોકલે છે. આથી કન્ફર્મ કરવા વિભોરે આઈઆરસીટીસી પર ગેટ એસએમએસ દ્વારા સંપર્ક કર્યો તો તેમને બપોરના જૂના સમય 2.20 વાગ્યાનો મેસેજ મળ્યો. તેમણે આઈઆરસીટીસીને અનેક વાર ફરિયાદ કરી છે પરંતુ યોગ્ય જવાબ મળ્યો નથી.
એવી જ રીતે 16 ફેબ્રુઆરીએ અજય રાઠોડ તેમનાં પત્ની અને પાંચ વર્ષથી નાના બે બાળકો થાણે સ્ટેશને આ ટ્રેન પકડવા પહોંચ્યા ત્યારે ટ્રેન રવાના થઈ ગઈ હતી. તેમને પણ કોઈ મેસેજ આવ્યો નહોતો.
અજયે કહ્યું કે 15 ફેબ્રુઆરીએ વેબસાઇટ પર લોગઇન કરીને ટિકિટની પ્ર્રિન્ટ કાઢી તો ટ્રેનનો સમય બપોરે 2.20નો જ દર્શાવાતો હતો.
ટૅક્સીઓવાળાઓ દ્વારા પ્રવાસીઓની લૂંટ
ટ્રેન ચૂકી જતાં એલટીટી સ્ટેશન પર કેટલાક ટૅક્સીવાળા પ્રવાસીઓને ઘેરી લે છે અને તેમને કસારામાં ટ્રેન પકડાવી દેવાની વાત કરે છે. આ ડ્રાઇવરોને ખબર છે કે આ ટ્રેન કસારામાં એન્જિન બદલવા વધુ સમય રોકાય છે. તેઓ ટૅક્સી ભાડા પેટે 6 હજાર રૂપિયા માગે છે. જગદીશ અને શશી ચૌરસિયા ટૅક્સીવાળાઓની ચુંગાલમાં ફસાયા અને કસારા પહોંચાડવાના 3 હજાર રૂપિયા નક્કી થયા. બન્ને કસારા જવા રવાના થયા અને ભાણેજ કાજલને કહ્યું કે અમે આવી રહ્યા છીએ અને કસારાથી આગળનો પ્રવાસ સાથે કરીશું પણ એવું થયું નહીં. કારણ કે તેની ટૅક્સીને અકસ્માત નડયો. બન્નેને સાધારણ ઈજા થઈ. ત્યાંથી પસાર થતા અન્ય એક ટૅક્સીવાળાએ તેમને કલ્યાણમાં ઉતારી દીધા. ત્યાં સુધીમાં ટ્રેન કસારાથી  રવાના થઈ ચૂકી હતી અને કાજલ સામાન સાથે ત્યાં ઉતરી ગઈ હતી. ચૌરસિયાની જેમ વિભોર પરિવારનો પણ ટૅક્સીવાળાઓએ સંપર્ક કર્યો હતો પણ તેઓ ગયા નહીં.
રેલવેનો ખુલાશો
દરમિયાન આ સંબંધમાં મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે આ ટ્રેન માટે 16 ફેબ્રુઆરીએ બલ્ક એસએમએસ મોકલવામાં આવ્યા હતા અને જે પ્રવાસીઓની થાણેમાં ટ્રેન છૂટી હતી તેમના માટે અન્ય ટ્રેનમાં વ્યવસ્થા કરાઈ હતી.
આઈઆરસીટીસીનો ખુલાશો
આઈઆરસીટીસીના જનસંપર્ક અધિકારી પિનાકિન મોરાવાલાએ જણાવ્યું હતું કે આઈઆરસીટીસીની વેબસાઇટ પર ડેટા ફિડિંગનું કામ રેલવેના સર્વર વિભાગના કર્મચારી કરે છે. વેબસાઇટ પર દેખાતી માહિતી અને વેબસાઇટ મારફતે મોકલાતા એસએમએસ માટે અમે જવાબદાર નથી.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer