શું સેનાની કોઈ જાતિ હોય છે?

પુલવામા આતંકવાદી હુમલાને કૉંગ્રેસ રાજકીય રંગ આપી રહ્યાનો ભાજપનો આક્ષેપ
 
પ્રમોદ મુઝુમદાર તરફથી
નવી દિલ્હી, તા. 22 : પુલવામા આતંકવાદી હુમલા મુદ્દે રાજકીય રંગ આપવાનો કૉંગ્રેસ સામે આક્ષેપ કરતાં ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યું હતું કે આ હુમલા બાદ કૉંગ્રેસ પાર્ટી પ્રાયોજિત એક લેખ પ્રસિદ્ધ થાય છે જે આપણા જવાનોની જાતિ વિશે વિવેચના કરે છે. શું સેનાની પણ કોઈ જાતિ હોય છે? એવો સવાલ પણ પાત્રાએ કર્યો હતો.
ભાજપ મુખ્યાલયમાં પત્રકાર પરિષદમાં ડૉ. પાત્રાએ જણાવ્યું હતું કે આ એક દુ:ખની વાત છે. સંયુક્ત રાષ્ટ્રસંઘે કહ્યું છે કે તમામ દેશો આતંકવાદના મુદ્દે ભારત સાથે છે ત્યારે કેટલાક પક્ષો દેશની સાથે નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કૂટનીતિને કારણે આજે વિશ્વના દેશો ભારતના પડખે ઊભા છે. પાત્રાએ જણાવ્યું હતું કે કેટલાક રાજકીય પક્ષો દેશની સાથે નથી અને તેમના ટ્વીટ પાકિસ્તાની ચૅનલો પર પ્રસારિત થઈ રહ્યા છે. ગુરુવારે ટ્વીટ કરીને એવી જાણકારી આપી દેવામાં આવી હતી કે ભારતનું પાણી પાકિસ્તાનમાં નહીં જાય ભારતમાં અન્યત્ર વાળવામાં આવશે.
આ પગલાંથી ભારતની વાહવાહ થઈ રહી છે, પરંતુ કેટલાક સરકારની આ કાર્યવાહીથી પરેશાન છે. પાત્રાએ એવો આક્ષેપ કર્યો હતો કે મનીષ તિવારી અને શશિ થરૂરે ટ્વીટ કરીને હિન્દુસ્તાનની વિરુદ્ધમાં વાત કરી હતી. આ બન્ને નેતાઓનાં નિવેદનો પાકિસ્તાની ચૅનલો પ્રસારિત કરી રહી છે. ડૉ. પાત્રાએ કૉંગ્રેસ પર નિશાન સાધતાં જણાવ્યું હતું કે કૉંગ્રેસે જો 70 વર્ષમાં વિશ્વને ગળે લગાવી લીધું હોત તો આજે આ નોબત ન આવી હોત. પાકિસ્તાની સેનાના એક પ્રવક્તાએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે ભારતમાં લોકસભાની ચૂંટણી પહેલાં આ હુમલો કેવી રીતે થયો? એ તો દુશ્મન દેશ છે પરંતુ આપણા દેશમાં મમતા બેનરજી જેવા કેટલાક નેતાઓ પણ આવી જ વાતો કરી રહ્યાં છે જે ખરેખર દુ:ખદ છે.
દેશના જ કેટલાક દુશ્મનો દેશની અંદર છે, જેમના દ્વારા કરવામાં આવતાં નિવેદનોનો પાકિસ્તાન ઉપયોગ કરે છે એમ પાત્રાએ વધુમાં જણાવ્યું હતું. ભારત સરકારે કાશ્મીરના અલગાવવાદી નેતાઓની સુરક્ષા હટાવી દીધી છે એ આટલાં વર્ષોમાં ન થયું તે સરકારે એક ઝાટકે કરી બતાવ્યું છે. કેટલાક લોકોને આ વાત હજમ થતી નથી. દેશમાં આતંકવાદની વિરુદ્ધમાં એક જ સૂર નીકળવો જોઈએ એમ પાત્રાએ વધુમાં જણાવ્યું હતું.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer