પાકિસ્તાનીઓની થાળીમાંથી ગુજરાતી ટમેટાં-મરચાં ગુમ થશે

પુલવામા બાદ ગુજરાતના વેપારીઓની નિકાસબંધી

અમદાવાદ, તા. 22 :  પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ હવે શાકભાજીના ગુજરાતી વેપારીઓ પણ    મેદાને આવી ગયા છે. ગુજરાતના શાકભાજી નિકાસ કરનાર વેપારીઓએ ગુજરાતથી પાકિસ્તાન ટમેટા અને મરચાં નહીં મોકલવાનો નિર્ણય કર્યો છે જેના કારણે પાકિસ્તાનમાં હવે ટમેટા અને મરચાંના ભાવ આસમાને પહોંચે તો નવાઈ નહીં.  
ગુજરાતમાંથી દરરોજ 72 ટ્રક ભરીને ટમેટા અને 28 ટ્રક મરચા પાકિસ્તાનમાં નિકાસ થાય છે. ગુજરાતના ટમેટા અને મરચાંની માંગ ઘણી વધારે છે અને સામાન્ય રીતે માર્ચ મહિના સુધી આ માંગ રહે છે અને ગુજરાતના શાકભાજી નિકાસ કરનાર ગુજરાતના વેપારીઓ પાકિસ્તાન મરચાં અને ટમેટા મોકલીને  મહિને 3 કરોડ રૂપિયા કમાય છે પરંતુ પુલવામામાં થયેલા હુમલા બાદ ગુજરાતના તમામ નિકાસકારો દ્વારા ટમેટા અને મરચાંની નિકાસ બંધ કરવાનો નિર્ણય કરાયો છે. 
1997 બાદ પહેલીવાર ગુજરાતના શાકભાજીના એક્સપોર્ટરો દ્વારા લેવાયેલા નિર્ણય વિષે જન્મભૂમિપત્રો સાથેની વાતચીતમાં ગુજરાત વેજીટેબલ એક્સપોર્ટ યુનિયનના પ્રમુખ અહમદ પટેલે કહ્યું કે ગુજરાતમાંથી રોજ 72 ટ્રક ટમેટા દિલ્હીથી વાઘા સરહદ થઇ પાકિસ્તાન નિકાસ થતા હતા અને 28 ટ્રક મરચાં પણ નિકાસ થતા હતા પરંતુ જે પ્રકારે પાકિસ્તાન દ્વારા વારંવાર આતંકી હુમલા થાય છે અને પુલવામામાં 44 જવાનોના મોત થયા પછી અમે બધાએ સર્વાંનુમતે પાકિસ્તાનમાં શાકભાજી નિકાસ નહીં કરવાનો નિર્ણય કર્યો છે. એના કારણે અમને 3 કરોડનું નુકસાન થશે પરંતુ દેશપ્રેમ સામે પૈસા કંઈ નથી એટલે અમે પાકિસ્તાનમાં ગુજરાતથી જતા ટમેટા અને મરચાંની નિકાસ બંધ કરવાનો નિર્ણય કર્યો છે.  
અહેમદ પટેલ કહે છે કે અમારા આ નિર્ણયથી ખેડૂતોને નુકસાન નહીં જવા દઈએ કારણ કે અમે ગુજરાતના ટમેટા અને મરચાંની વધુ નિકાસ ખાડીના દેશમાં કરીશું, એટલું જ નહીં બાંગલાદેશ   ઉપરાંત   કેનેડામાં પણ નિકાસ વધારીશું જેથી ખેડૂતોને નુકસાન ન થાય. પરંતુ પાકિસ્તાનમાં મરચાં અને ટમેટાની નિકાસ બંધ કરીશું. ગુજરાતની જેમ મધ્યપ્રદેશે પણ ટમેટા અને મરચાંની નિકાસ બંધ કરવાનો નિર્ણય લીધો છે એ જોતાં અમે વેજીટેબલ એક્સપોર્ટ યુનિયન દ્વારા દેશના બીજા રાજ્યોને પણ ટમેટા અને મરચાંની નિકાસ બંધ કરવા માટે તૈયાર કરીશું. અમે સરહદ પર જઈ લડી તો શકવાના નથી પરંતુ અમે પાકિસ્તાન સામે આ પ્રકારે આર્થિક લડાઈ કરીશું.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer