ભારતના સૂચક મૌનથી પાકિસ્તાન ફફડયું

જૈશનું મુખ્યાલય પાક સરકારે કબજામાં લીધું, યુદ્ધનો જવાબ આપવાની પાક સેનાની શેખી 
 
નવી દિલ્હી, તા. 22 : કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર ખતરનાક આતંકવાદી હુમલાના અઠવાડિયા બાદ ભારતના સૂચક મૌનથી પાકિસ્તાનમાં ફફડાટ ફેલાયો છે. ભારત વધુ એક વાર સર્જિકલ સ્ટ્રાઇક કરશે કે સશસ્ત્ર હુમલો કરશે એવી આશંકાથી ભયભીત પાકિસ્તાને યુદ્ધની તૈયારીઓ આદરી હોવાના અહેવાલો વચ્ચે આજે પાકિસ્તાની સેનાના મીડિયા વિન્ગ ઇન્ટર સર્વિસિસ પબ્લિક રિલેશન્સના ડીજી મેજર જનરલ આસિફ ગફૂરે પત્રકાર પરિષદમાં પાકિસ્તાની સેનાનો અભિગમ સ્પષ્ટ કર્યો હતો. 
ગફૂરે કહ્યું હતું કે પાકિસ્તાન તરફથી કોઈ જંગની તૈયારી નથી ચાલી રહી, પરંતુ ભારતની ધમકીઓ સામે સાવધ રહેવું પડે છે. જો સામા પક્ષેથી યુદ્ધ થોપવામાં આવશે તો પાકિસ્તાન એનો યોગ્ય જવાબ આપશે એવી શેખી પણ તેમણે મારી હતી.
એક તરફ સંયુક્ત રાષ્ટ્રસંઘની સુરક્ષા સમિતિએ ભારતને સહકાર આપીને આતંકવાદને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો અને ભારતે કાશ્મીરના અલગતાવાદી નેતાઓની સુરક્ષા પાછી ખેંચી લીધી એનાથી ભય અનુભવતા પાકિસ્તાને પુલવામામાં આતંકવાદી હુમલો કરનારા આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના મુખિયા મસૂદ અઝહર પર સકંજો કસ્યો હોવાના પણ અહેવાલ છે. બહાવલપુરમાં જૈશના ઠેકાણાંઓ પર કાર્યવાહી કરવામાં આવી છે અને જૈશનું મુખ્યાલય પાકિસ્તાન સરકારે કબજામાં લીધું હોવાના સમાચાર મળ્યા છે.
ભારત તરફથી કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા પાકિસ્તાન સાથેની કાશ્મીર સહિત પંજાબ અને ગુજરાત બૉર્ડરે પણ લશ્કરને સાબદું કર્યું છે. ભારતથી ફફડતા પાકિસ્તાનના રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના નાયબ નિર્દેશક (વહીવટ)ને ટાંકીને નીલમ, ઝેલમ, રાવલકોટ, હવેલી, કોટલી અને ભીંતરના ડીસીએ જારી કરેલા આદેશમાં કહેવાયું હતું કે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લેતાં પીઓકે સ્થિત એલઓસી નજીક રહેતા લોકોને સૂચિત કરવામાં આવે છે કે ભારતીય સેના ક્યારેય કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી શકે છે એથી લોકો પોતપોતાની સુરક્ષાની કાળજી લે અને કોઈ એક જ સ્થળે એકત્ર ન થાય. જેમની પાસે બન્કર નથી તેઓ વહેલી તકે પોતાનાં બન્કર બનાવી લે એ ઇચ્છનીય છે.
પુલવામા આતંકી હુમલા પછી ભારતની આક્રમકતાથી ડરેલા પાકિસ્તાને હવે નવો પેંતરો અજમાવ્યો છે અને જૈશ-એ-મોહમ્મદનાં વડામથક બહાવલપુરને સરકારી કબજામાં લઈ લીધું છે. પાક.નાં ગૃહમંત્રાલય અનુસાર પંજાબ સરકારે બહાવલપુરમાં મદરસાતુલ સાબિર અને જામા-એ-મસ્જિદ સુભાનલ્લામાં એક પરિસરને પોતાનાં નિયંત્રણમાં લીધું છે.
આ ઉપરાંત જૈશમાં વહિવટદારની નિયુક્તિ પણ કરી દીધી છે. પાક. સરકારનાં પ્રવક્તાએ જણાવ્યા અનુસાર વડાપ્રધાન ઈમરાન ખાનની અધ્યક્ષતામાં ગુરુવારે મળેલી રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠકનાં નિર્ણય અનુસાર આ કાર્યવાહી કરવામાં આવી છે. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer