વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રતિષ્ઠિત સૉલ શાંતિ પુરસ્કારથી સન્માનિત

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રતિષ્ઠિત સૉલ શાંતિ પુરસ્કારથી સન્માનિત
આ સન્માન 130 કરોડ ભારતીયોનું : વડા પ્રધાન

સૉલ, તા. 22 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પ્રતિષ્ઠિત સૉલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ પુરસ્કાર તેમના આંતરરાષ્ટ્રીય સહકાર અને વૈશ્વિક આર્થિક પ્રગતિમાં યોગદાન બદલ આપવામાં આવ્યો છે. પુરસ્કાર બાદ મોદીએ આતંકવાદ પર ફરી એક વખત પાકિસ્તાનને ઘેર્યું હતું. મોદીએ નામ લીધા વિના કહ્યું કે, ભારત છેલ્લા 40 વર્ષથી સીમા પાર આતંકવાદનો સામનો કરી રહ્યું છે. હવે એ સમય આવી ગયો છે કે જેઓ માનવતામાં વિશ્વાસ કરે છે તેઓ આવી હરકતોનો જડબાંતોડ જવાબ આપે. તેમણે કહ્યું કે, આવું કરીને જ આપણે દુનિયામાં શાંતિ સ્થાપી શકીએ તેમ છીએ. તેમણે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિની પ્રશંસા કરતાં કહ્યું કે, તેમણે સમજદારી દાખવીને ઉત્તર કોરિયા સાથે વાતચીત કરીને સંબંધ સુધાર્યા હતા.
મોદીને આ પ્રતિષ્ઠિત સન્માનની સાથે જ આશરે એક કરોડ ત્રીસ લાખ રૂપિયા પણ મળ્યા હતા, જે રકમ તેમણે ગંગાને સાફ કરવા માટે ચલાવવામાં આવતા `નમામિ ગંગે' પ્રોજેક્ટમાં આપવાની જાહેરાત કરી હતી. મોદીએ કહ્યું કે, મને ખુશી છે કે આ પુરસ્કાર મને એ વર્ષે આપવામાં આવ્યો છે કે જ્યારે આપણે મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી ઉજવી રહ્યા છીએ.
ઉલ્લેખનીય છે કે દક્ષિણ કોરિયા 1990થી આ પુરસ્કાર વડે લોકોને નવાજી રહ્યું છે. દર બે વર્ષે આ પુરસ્કાર આપવામાં આવે છે. મોદી પહેલાં સંયુક્ત રાષ્ટ્રના પ્રથમ અશ્વેત મહામંત્રી કોફી અન્નાન, સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રી બાન કી મૂન, જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ સહિતને આ પુરસ્કાર મળી ચૂક્યો છે. મોદી આ પુરસ્કાર મેળવનારા દુનિયાના 14મા અને ભારતનો પ્રથમ હસ્તી બન્યા છે.
મોદીએ કહ્યું કે, આ પુરસ્કાર એ દર્શાવે છે કે ભારતે પાંચ વર્ષમાં કેટલો વિકાસ કર્યો છે. તેમણે આ પુરસ્કાર દેશના લોકોને સમર્પિત કર્યો હતો. વસુધૈવ કુટુંબકમનો ઉલ્લેખ કરતાં મોદીએ કહ્યું કે, આ પુરસ્કાર દર્શાવે છે કે આખી દુનિયા એક પરિવાર જેવી છે.
પુરસ્કાર એનાયત થયા અગાઉના કાર્યક્રમમાં મોદીની સિદ્ધિઓ વર્ણવવામાં આવી હતી. તેનાથી જોડાયેલી એક ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી. મોદીના ક્લીન ઈન્ડિયા મિશનની પણ પ્રશંસા કરવામાં આવી હતી.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer