સુરક્ષા સમિતિના ઠરાવમાં જૈશ એ મોહમદના નામોલ્લેખ સાથે

સુરક્ષા સમિતિના ઠરાવમાં જૈશ એ મોહમદના નામોલ્લેખ સાથે
પુલવામા હુમલાની ટીકા   

યુનોમાં પાકિસ્તાન સામે ભારતનો મોટો રાજદ્વારી વિજય

આનંદ  કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 22 : સંયુક્ત રાષ્ટ્રસંઘની સુરક્ષા પરિષદે પુલવામા આતંકવાદી હુમલાની ગંભીર નોંધ લેતાં અને આ સંબંધમાં જૈશ એ મોહમદનું નામ લેતાં ભારતનો પાકિસ્તાન પર મોટો રાજદ્વારી વિજય થયો છે એમાં કોઈ શંકા નથી. જોકે ચીને તેના કાયમી મિત્ર પાકિસ્તાનને ખુશ કરવા યુનોના આ ઠરાવને ઝાઝું મહત્ત્વ નહીં આપતાં જણાવ્યું હતું કે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનના નામનો ઉલ્લેખ એ કોઈ ચુકાદો નથી પણ સામાન્ય અર્થમાં વપરાયેલો શબ્દ છે.
પુલવામા હુમલા બાદ પાકિસ્તાન સામે વૈશ્વિક સર્વસંમતિ સાધવાના મોદી સરકારના પ્રયાસો ઘણા લાંબા સમયથી ચાલુ રહ્યા છે અને ચીન તેના કાયમી મિત્રને વર્ષોથી છાવરતું રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે યુનોની સુરક્ષા સમિતિનો ઠરાવ ભારતે ખાસ ભાષા સૂચવી હતી તે ધરાવતો હતો અને તેનો ઉપયોગ જૈશ એ મોહમદનું નામ લેવામાં કરવામાં આવ્યો હતો અને આ હુમલા પાછળ જવાબદાર આતંકવાદીઓ સામે પગલાં લેવાની હાકલ કરવામાં આવી હતી.
અમેરિકા, ચીન, રશિયા, ગ્રેટ બ્રિટન અને ફ્રાંસ જેવા પાંચ કાયમી સભ્યોની બનેલી યુનોની સુરક્ષા સમિતિના નિવેદનમાં ભારતને સહકાર આપવાનો અને જૈશ એ મોહમદ સામે કાર્યવાહી કરવાનું જણાવતું નિવેદન આ પ્રમાણે છે.
`સુરક્ષા સમિતિના સભ્યો જમ્મુ-કાશ્મીરમાં ભયાનક અને કાયર આત્મઘાતી હુમલાની આકરા શબ્દોમાં ટીકા કરે છે. 14 ફેબ્રુઆરીના આ હુમલામાં ભારતના 40થી વધુ સૈનિકો માર્યા ગયા હતા અને ડઝનેક ઘાયલ થયા હતા અને તે માટેની જવાબદારી જૈશ એ  મોહમદે લીધી હતી. સુરક્ષા સમિતિના સભ્યો પીડિતોના પરિવારજનો, ભારતના લોકો અને ભારત સરકાર પ્રત્યે ઊંડી સહાનુભૂતિ અને શોક વ્યક્ત કરે છે અને ઈજા પામેલાઓ ઝડપથી સાજા થાય એવી કામના કરે છે. સુરક્ષા પરિષદ એવું દ્રઢપણે માને છે કે કોઈપણ પ્રકારનો આતંકવાદ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે ગંભીર ખતરો છે.'
અગાઉ ચીને એકાદ બે નિવેદનો બહાર પાડીને આ હુમલાને વખોડયો હતો પરંતુ તેણે તેને ખાસ કહેવામાં આવ્યું હોવા છતાં જૈશ કે પાકિસ્તાનનું નામ લીધું નહોતું. ચીને જૈશ એ  મોહમદના સરગના મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવાના ભારતના વારંવારના પ્રયાસોની વિરુદ્ધમાં વીટો વાપર્યો છે. અન્ય ઘણા દેશોએ અલગ અલગ રીતે કે સાથે મળીને ભારતને ટેકો આપ્યો છે અને અમેરિકા, રશિયા અને ઇઝરાયલે તો જોરદાર નિવેદનો પણ બહાર પાડયાં છે.
પાકિસ્તાનના `અૉલ વેધર ફ્રેન્ડ' (કાયમી મિત્ર) ચીને આવું નિવેદન બહાર પડે તે સામે છ દિવસ સુધી વિરોધ કર્યો હતો એમ સૂત્રોએ જણાવ્યું હતું. યુનોની સુરક્ષા પરિષદનું કાયમી સભ્ય ચીન જૈશ એ મોહમદ આતંકવાદી સંગઠનના સ્થાપક મસૂદ અઝહરનું નામ આંતરરાષ્ટ્રીય આતંકવાદી યાદીમાં મૂકવાના ભારતના પ્રયાસોને વીટો વાપરીને અવરોધતું રહ્યું છે. જોકે ભારતના આ પ્રયાસોને એક મોટું બળ મળે એવી કાર્યવાહીમાં ફ્રાંસ મસૂદ અઝહરનું નામ આતંકવાદી યાદીમાં મૂકવા સેન્કસન્સ કમિટીમાં ટૂંકમાં દરખાસ્ત રજૂ કરશે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer