ભારત - પાકના સંબંધો ભયજનક સ્થિતિમાં : ટ્રમ્પ

ભારત - પાકના સંબંધો ભયજનક સ્થિતિમાં : ટ્રમ્પ
વૉશિંગ્ટન, તા. 23 : જમ્મુ-કાશ્મીરમાં પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી વધી રહી છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બન્ને દેશો વચ્ચેની હાલની સ્થિતિને બેહદ ખરાબ અને ખતરનાક ગણાવી છે. ટ્રમ્પે કહ્યું છે કે તેમની સરકાર બન્ને દેશોના સંપર્કમાં છે અને આશા છે કે કાશ્મીર ખીણની અશાંતિની સ્થિતિ ખૂબ જલદી ખતમ થઈ જશે. અમેરિકાના અધ્યક્ષે કહ્યું કે ભારતે આ હુમલામાં 50 જવાનોને ખોયા છે અને તે ખૂબ આકરાં પગલાં ભરવાનું વિચારી રહ્યું છે. ઓવલ અૉફિસમાં ટ્રમ્પે મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું છે કે આ સમયે ભારત અને પાકિસ્તાન વચ્ચે બેહદ ખરાબ સ્થિતિ છે. આ બેહદ ખતરનાક સ્થિતિને અમે જલદી ખતમ થઈ જાય એ જોવા માંગીએ છીએ. અનેક લોકોની હત્યા કરવામાં આવી છે. અમે ઇચ્છીએ છીએ કે આ તુરંત બંધ થાય. અમે સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છીએ.
અમેરિકાના અધ્યક્ષ પુલવામા આતંકવાદી હુમલાના સિલસિલામાં પત્રકારોના સવાલના જવાબ આપી રહ્યા હતા, જેમાં સીઆરપીએફના 40 જવાન શહીદ થઈ ગયા હતા. બન્ને દેશોની સરકારોથી વાતચીતનો ઉલ્લેખ કરતાં ટ્રમ્પે કહ્યું કે ભારત ખૂબ આકરાં પગલા ભરવાનું વિચારી રહ્યું છે. જે હું સમજી શકું છું.
તેમણે વધુમાં જણાવ્યું છે કે અમેરિકાએ પાકિસ્તાન સાથેના પોતાના સંબંધો સુધાર્યા છે અને પાકિસ્તાનના નેતાઓ અને અધિકારીઓ સાથે બેઠકની તૈયારી કરી રહ્યું છે. ટ્રમ્પે કહ્યું કે મેં પાકિસ્તાનને 1.3 અબજ ડૉલરની મદદ રોકી દીધી છે, જે અમે પહેલાં આપતા રહેતા હતા.
હાલની સ્થિતિમાં અમે પાકિસ્તાન સાથે કેટલીક બેઠક આયોજિત કરવાની તૈયારીમાં છીએ. બીજા અધ્યક્ષોના કાર્યકાળમાં પાકિસ્તાનને અમેરિકાથી ખૂબ લાભ થયો છે. અમે પાકિસ્તાનને વર્ષે 1.3 અબજ ડૉલર ઉપલબ્ધ કરાવતા હતા. મેં આ રકમ રોકી દીધી કારણકે તેઓ એવી રીતની મદદ અમને કરતા નથી જેવી કરવી જોઈએ.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer