એશિયન બજારોની નરમાઈ વચ્ચે ભારતીય શૅરબજારો ફ્લૅટ બંધ થયાં

એશિયન બજારોની નરમાઈ વચ્ચે ભારતીય શૅરબજારો ફ્લૅટ બંધ થયાં
ક્રૂડતેલ મોઘું થતાં ઔદ્યોગિક-અૉટો ક્ષેત્રે નબળાઈના સંકેત
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : એશિયન બજારમાં બે દિવસની નબળાઈ અને ચીનના આર્થિક આંકડામાં સતત નબળાઈના સંકેતથી સ્થાનિક શૅરબજાર આજે સકારાત્મક બંધ થયાં હતાં છતાં સમગ્ર રીતે માર્કેટનું વલણ નકારાત્મક રહ્યું હતું. જેથી બીએસઈમાં ટ્રેડ થયેલા કુલ 2861 શૅર્સમાંથી 1479 ઘટીને જ્યારે 1234 શૅર્સ ઓછા વત્તા અંશે સુધરીને બંધ રહ્યા હતા.
ગઈકાલે ઓવરબોટ બજારનો અહીંથી નિર્દેશ આપ્યા પછી ગુરુવારે એનએસઈ- નિફ્ટી અગાઉના બંધ 11,341થી ઉપર 11,382 ખૂલીને માત્ર 11383 થઈને સતત ઘટતાં નીચેમાં 11,314 સુધી પટકાયો હતો. આ તબક્કે વેચાણ કપાતાં ટ્રેડ અંતે નિફ્ટી માત્ર 4 પૉઇન્ટ સુધારે 11,346 બંધ રહ્યો હતો. બીએસઈમાં સેન્સેક્ષ 3 પૉઇન્ટ સુધારે 37,755ના સ્તરે બંધ રહ્યો હતો. બીએસઈમાં મિડકેપ ઇન્ડેક્સ 40 ઘટવા સામે મંદી ઝોકે બંધ હતો. જોકે, બૅન્ક નિફ્ટીએ આજે 29070ની વિક્રમી ટોચ બનાવી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ઇન્ટ્રાડેમાં વર્ષનો વિક્રમી ભાવ રૂા. 1361 ક્વોટ કર્યા પછી અંતે રૂા. 7 ઘટાડે રૂા. 1341નો બંધ આવ્યો હતો.
ઓવરબોટ બજારના સીધા સંકેત પછી મની કન્ટ્રોલના એનલિસ્ટો હવે નવી ખરીદી રોકવાની સલાહ આપે છે. જોકે ટ્રેડરોએ માથે વેચાણ કરવું જોખમી હોવાનું જણાય છે. આજે મુખ્ય શૅરોમાં સુધારાનો વેગ સ્પષ્ટ ઘટી રહ્યો છે. ટેક્નિકલી હવે 10,390ની સપાટી ઉપર 10,410ના રેસિસ્ટન્ટ મુખ્ય ગણાય.
આજે બજારમાં ટ્રેડિંગ દરમિયાન નિફ્ટીના કુલ 29 શૅરના સુધાર સામે 21 શૅર ઘટયા હતા. આજે સુધારામાં અગ્રણી ઇન્ડસઇન્ડ બૅન્ક પાંચ મહિનાની ટોચે રૂા. 1685 ક્વોટ થઈ 3 ટકા વધીને રૂા. 1683 બંધ હતો. એચડીએફસી રૂા. 9, યસ બૅન્ક રૂા. 5, ગ્રાસીમ રૂા. 11, એશિયન પેઇન્ટ્સ રૂા. 9, ટાઇટન રૂા. 12, કોલ ઇન્ડિયા રૂા. 5, ભારતી એરટેલ રૂા. 7 અને સન ફાર્મામાં રૂા. 10નો વધારો થયો હતો.
આજે ઘટાડામાં રહેનાર શૅરમાં ડૉ. રેડ્ડીસ રૂા. 8, ટીસીએસ રૂા. 9, એચયુએલ રૂા. 9, યુપીએલ રૂા. 8, અલ્ટ્રાટેક રૂા. 55, એચસીએલ ટેકનો રૂા. 21, પાવરગ્રીડ રૂા. 7 ઘટયા હતા. આજે નિફ્ટીના મોટા ભાગના ઇન્ડેક્સમાં સીમાંત વધઘટ ક્વોટ થઈ હતી. જોકે બૅન્કેક્સ અને રિયલ્ટી ઇન્ડેક્સ બે ટકા વધ્યો હતો. જ્યારે રિયલ્ટી સ્ટોકમાં લેવાલી હતી. રૂપિયામાં સતત મજબૂતીથી સોફ્ટવેર શૅરોમાં નવી નબળાઈ પ્રવેશી છે. ક્રૂડમાં સતત સુધારાથી સિમેન્ટ-ઔદ્યોગિક અૉટો ક્ષેત્રે નકારાત્મકતા વધી શકે છે. વ્યક્તિગત શૅરમાં મુથુટ ફાઇનાન્સ 3 ટકા વધીને રૂા. 612 અને સનટેક રિયલ્ટી 1 ટકા વધ્યા હતા.
આવતી કાલે અઠવાડિયાના અંતિમ દિવસે તીવ્ર વધઘટ સાથે મોટા સુધારાના સંજોગ ઓછા જણાય છે. જોકે, સટ્ટાકીય મોટું વેચાણ કરવાથી દૂર રહેવામાં શાણપણ રહેશે.
એશિયન બજાર
બ્રિટનમાં બ્રેકઝિટ મુદ્દે પુન: મતદાન વચ્ચે ચીનની અર્થવ્યવસ્થા ધીમી પડવાના સંકેત છે. ક્રૂડતેલમાં પુરવઠા ખાધ વધવાના કારણે આજે એશિયાનો મુખ્ય એમએસસીઆઈ બ્રોડેસ્ટ ઇન્ડેક્સ 0.2 ટકા ઘટાડે હતો. જપાનમાં નિક્કી 3 ટકા નીચે હતો જ્યારે શાંઘાઈ ઇન્ડેક્સ 36 પૉઇન્ટ ઘટયો હતો. જોકે, હૉંગકૉંગમાં હેંગસેંગ 36 પૉઇન્ટ વધ્યો હતો. અમેરિકાનો મુખ્ય નાસ્દાક ઇન્ડેક્સ બાવન પૉઇન્ટ સુધર્યો હતો.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer