ઉછાળો ઊભરા જેવો નીવડતાં સોનું ફરી તૂટયું

ઉછાળો ઊભરા જેવો નીવડતાં સોનું ફરી તૂટયું
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 14 : સોનામાં ગઇકાલનો ઉછાળો ઊભરા જેવો સાબિત થયો હોય તેમ ફરીથી 1300 ડોલરની નીચે ભાવ સરકી ગયો હતો. બ્રેક્ઝિટનો સોદો ફાઇનલ ન થયા પછી યુરોપીયન સ્ટોક માર્કેટમાં મંદી હતી. જોકે, ડૉલર સુધરતાં સોનામાં વેચવાલી ખૂલી હતી. ન્યૂયોર્કમાં આ લખાય છે ત્યારે સોનાનો ભાવ 1298 ડૉલર હતો.
ચીનમાં આર્થિક વિકાસ નબળો પડી રહ્યો હોવાના સંકેતો આવી રહ્યા છે એટલે સોનામાં ઔદ્યોગિક માગ ઓછી થઇ રહી છે તેમ ફોરેક્સ ડોટ કોમના વિશ્લેષક ફવાદ રઝાકઝાદા કહે છે. તેમણે કહ્યું કે,ડોલર વધ્યો છે અને બોન્ડના યીલ્ડ પણ બે દિવસથી સુધારા પર છે. અમેરિકા સહિતના દેશોમાં શૅરબજારનો દેખાવ પણ સારો છે એટલે સોનું ટકી શક્યું નથી. 
જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ચીનમાં ઔદ્યોગિક ઉત્પાદન ઘટીને 17 વર્ષના તળિયે ગયું છે. કદાચ આવનારા મહિનાઓમાં પણ સ્થિતિ આવી જ રહેશે તેવી અટકળો ઉપર અત્યારે તો આર્થિક વિકાસ મંદ પડશે તેવું જણાય છે. અમેરિકા અને યુરોપની સ્થિતિ પણ બહુ સારી નથી એ જોતાં કદાચ સોનાને એ કારણ ઉપર લાંબા ગાળે સલામત રોકાણરૂપી ફાયદો મળી પણ શકે છે.
સોનાનો ભાવ ગયા ઓગસ્ટ માસમાં દોઢ વર્ષના તળિયે પહોંચ્યા પછી 13 ટકા વધી ગયો છે.  સોનાના સુધારાને સૌથી મોટું બળ અમેરિકાની વ્યાજદર વધારવાની નીતિને બ્રેક લાગશે તે કારણે મળ્યું છે. રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રૂા. 140 નરમ પડતાં રૂા. 33,080 હતો. મુંબઇમાં રૂા. 290 તૂટી રૂા. 32,085 હતો. ન્યૂયોર્ક ચાંદી 15.20 ડૉલર હતી. રાજકોટમાં એક કિલોએ રૂા. 600ની નોંધપાત્ર નરમાઇ સાથે રૂા. 38,600 હતી. મુંબઇમાં રૂા. 560ના કડાકામાં રૂા. 37,985 હતી.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer