શ્રેણી હારથી પસ્તાવો નહીં, ટીમ સંતુલિત : સુકાનીની શેખી

શ્રેણી હારથી પસ્તાવો નહીં, ટીમ સંતુલિત : સુકાનીની શેખી
આઇપીએલના વર્કલોડ પર ખેલાડીઓ ખુદ નિર્ણય લે : કોહલી
નવી દિલ્હી, તા.14: ઓસ્ટ્રેલિયા સામેની આંચકારૂપ શ્રેણી હાર છતાં સુકાની કોહલીએ કહ્યું કે વર્લ્ડ કપની ઇલેવન લગભગ નક્કી છે. પરિસ્થિતિ અનુસાર એક-બે ફેરફાર થઇ શકે છે. બીજા વિકેટકીપર ભ્રમની સ્થિતિ પર કોહલીએ કહ્યું કે એ સમસ્યા હલ થઇ ચૂકી છે. સુકાનીએ એમ પણ કહ્યું કે શ્રેણી હારથી કોઇ પણ ખેલાડી નિરાશ કે હતાશ નથી. કોઇ પસ્તાવો નથી. નિશ્ચિત પણે જે પ્રયોગ કર્યાં તેને હારનું કારણ ન આપી શકીએ. વિશ્વ કપના 11 ખેલાડી અમારા મગજમાં સ્પષ્ટ છે. એ સાચું કે કેટલાક ફેંસલા યોગ્ય રહ્યા નહીં, એના વિષે વિચારવું પડશે.અમારી ટીમ સંતુલિત છે. આ તકે કોહલીએ 10 વર્ષ બાદ ભારતમાં શ્રેણી વિજય પ્રાપ્ત કરનાર ઓસ્ટ્રેલિયાની ટીમની પ્રશંસા કરી હતી.
 વર્લ્ડ કપની ઠીક પહેલા આઇપીએલમાં ભારતીય ખેલાડીઓના રમવાથી તેમના પરનો વર્કલોડ ચર્ચાનો વિષય બન્યો છે. આ સામે સુકાની વિરાટ કોહલી કહે છે કે આ નિર્ણય ખેલાડીઓ પર છોડી દીધો છે. તેમણે નક્કી કરવાનું રહેશે કે ટી-20 લીગના કેટલા મેચ રમવા અને કેટલા ન રમવા. આઇપીએલનો પ્રારંભ 23 માર્ચથી થઇ રહ્યો છે. તેની સમાપ્તિની ચાર દિવસ બાદ ભારતીય ટીમે વર્લ્ડ કપ રમવા ઇંગ્લેન્ડ રવાના થવાનું છે. પસંદગી સમિતિના ચેરમેન એમએસકે પ્રસાદ કહી ચૂકયા છે કે ખેલાડીઓના વર્કલોડને લઇને ફ્રેંચાઇઝીઓ સાથે વાત થઇ છે. આ સામે સુકાની કોહલી કહે છે કે ખેલાડીઓ ખુદ તેમનો કાર્યભાર નકકી કરે.
ઓસ્ટ્રેલિયા સામેના પાંચમા વન ડેની હાર બાદ કોહલીએ કહ્યું હતું કે આઇપીએલની ફ્રેંચાઇઝીઓ અમારા ફિજિયો પેટ્રિક ફરહાર્ટના સંપર્કમાં છે. ખેલાડીઓએ પૂરી બુધ્ધિમતાથી ખુદ પર નિર્ણય લેવાના રહેશે. વર્લ્ડ કપ 4 વર્ષે આવે છે અને આઇપીએલ દર વર્ષે રમાય છે. એનો મતલબ એ નથી કે અમે પ્રતિબધ્ધ નથી. અમારે યોગ્ય નિર્ણય લેવા પડશે. જવાદારી ખેલાડી પર રહેશે. ખેલાડીઓ આઇપીએલ રમવા હકદાર છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer