ગાંધીનગરની બેઠક પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભાના સભ્ય અમિત શાહ ચૂંટણી લડે એવી અટકળો

આનંદીબહેન પટેલનાં પુત્રી અનાર પટેલ માટે પણ ગાંધીનગર બેઠકની ટિકિટની માગણી : સૂત્રો
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 14 : લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ ગુજરાતના રાજકારણમાં ગરમાટો જોવા મળી રહ્યો છે ત્યારે ગાંધીનગરની હાઈ-પ્રોફાઇલ બેઠક પરથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભાના સભ્ય અમિત શાહ ચૂંટણી લડી શકે છે એવી અટકળો વહેતી થઈ છે. જોકે અમિત શાહ લોકસભાની ચૂંટણી લડશે તો તેઓ ગાંધીનગરની બેઠક પરથી જ ચૂંટણી લડે એવી શક્યતાઓ ભાજપનાં સૂત્રો દર્શાવી રહ્યાં છે. 
લોકસભાની ચૂંટણીને લઈ ભાજપે રાજ્યમાં કવાયત શરૂ કરી દીધી છે. ભાજપનાં સૂત્રોમાંથી મળતી  માહિતી અનુસાર લોકસભાની ચૂંટણીને લઈને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડવાનું વિચારી રહ્યા છે. જો તેઓ ચૂંટણી લડવા તૈયાર થાય તો તેઓ ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડે એવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. 
તો બીજી તરફ ગાંધીનગરની બેઠક માટે આનંદીબહેન પટેલનું જૂથ પણ સક્રિય બન્યું હોવાનું કહે છે. સૂત્રોના કહેવા પ્રમાણે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને હાલનાં મધ્ય પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબહેન પટેલનાં પુત્રી અનાર પટેલ માટે પણ આ બેઠકની ટિકિટની માગણી કરવામાં આવી છે. 
મહત્ત્વનું છે કે ગાંધીનગરની હાઈ-પ્રોફાઇલ બેઠક પર હાલ એલ. કે. અડવાણી સંસદસભ્ય તરીકે કાર્યરત છે. જોકે નાદુરસ્ત તબિયતને કારણે તેઓએ ચૂંટણી લડવાની ના પાડી દીધી હોવાનું સમજાય છે. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer