રાષ્ટ્રવાદી કૉંગ્રેસે ઇશાન મુંબઈમાં સંજય પાટીલ અને થાણેમાં આનંદ પરાંજપેને ટિકિટ આપી

મહારાષ્ટ્રના કુલ 12 ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં : કલ્યાણમાં બાબાજી પાટીલ ઊભા રહેશે: સુપ્રિયા સુળે બારામતીમાંથી લડશે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : કૉંગ્રેસ પછી રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષ તરફથી લોકસભાની આગામી ચૂંટણી માટે બાર ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. તેમાં બારામતીમાંથી સુપ્રિયા સુળે, ઇશાન મુંબઈમાંથી સંજય દીના પાટીલ, થાણેમાંથી આનંદ પરાંજપે અને કલ્યાણમાંથી બાબાજી પાટીલને ઉમેદવારી આપવામાં આવી છે.
રાષ્ટ્રવાદી કૉંગ્રેસના મહારાષ્ટ્ર એકમના વડા જયંત પાટીલે આજે લોકસભાની બાર બેઠકોનાં ઉમેદવારોનાં નામોની યાદી જાહેર કરી છે. પક્ષ પ્રમુખ શરદ પવારનાં દીકરી સુપ્રિયા સુળેને બારામતીમાંથી, છત્રપતિ શિવાજી મહારાજના વંશજ ઉદયન રાજે ભોસલેને સતારામાંથી, પક્ષના વરિષ્ઠ નેતા સુનીલ તટકરેને રાયગડમાંથી, કોલ્હાપુરમાંથી ધનંજય મહાડિકને, ભૂતપૂર્વ સાંસદ સંજય દીના પાટીલને ઇશાન મુંબઈમાંથી ટિકિટ આપવામાં આવી છે. કલ્યાણમાંથી બાબજી પાટીલને, થાણેમાં ભૂતપૂર્વ સાંસદ આનંદ પરાંજપેને, જળગાંવમાંથી ગુલાબરાવ દેવકરને, બુલઢાણામાં રાજેન્દ્ર શીગણેને અને લક્ષદ્વીપમાંથી મોહમદ ફૈઝલને ઉમેદવારી આપવામાં આવી છે. રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષ હાત કણંગલેની બેઠક સ્વાભિમાની શેતકરી સંગઠનના નેતા રાજુ શેટ્ટી માટે છોડી દેશે.
જયંત પાટીલે જણાવ્યું હતું કે કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી વચ્ચે કેટલીક બેઠકોની અદલાબદલી થાય એવી સંભાવના છે. બાદમાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસ દ્વારા શેષ બેઠકો માટેના ઉમેદવારોનાં નામ આગામી એકાદ બે દિવસમાં જાહેર કરવામાં આવે એવી સંભાવના છે. રાષ્ટ્રવાદી કૉંગ્રેસ દ્વારા માઢાની ઉમેદવારી અંગે નામની જાહેરાત કરવામાં આવી નથી. આ બેઠક માટે રાષ્ટ્રવાદીના નેતા અને ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના પુત્ર પાર્થ પવાર ઇચ્છુક છે. આ અંગે જયંત પાટીલે પત્રકારોને જણાવ્યું હતું કે કઈ બેઠકનો ઉમેદવાર ક્યારે જાહેર કરવો તે અધિકાર અમારો છે.
 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer