કૉંગ્રેસ વધુ બાર બેઠકોના ઉમેદવારોનાં નામ ટૂંકમાં જાહેર કરશે

ટિકિટવાંછુઓની ખેંચતાણથી વાયવ્ય મુંબઈ અને દક્ષિણ મધ્ય મુંબઈની બેઠકોની જાહેરાત વિલંબમાં
કેતન જાની તરફથી
મુંબઈ, તા. 14 : કૉંગ્રેસ દ્વારા મુંબઈની બે બેઠકો માટે ઉમેદવારો જાહેર કરાયા પછી હવે આગામી એકાદ બે દિવસમાં મહારાષ્ટ્રમાં વધુ ઉમેદવારોનાં નામ જાહેર કરવામાં આવે એવી સંભાવના છે. મહારાષ્ટ્રમાં દક્ષિણ મધ્ય મુંબઈ અને વાયવ્ય મુંબઈની બેઠકો સહિત નવ બેઠકો માટે ખેંચતાણ હોવાથી તેના ઉમેદવારો જાહેર કરવામાં થોડો વિલંબ થઈ
શકે છે.
કૉંગ્રેસના મહારાષ્ટ્ર એકમના વડા અશોક ચવ્હાણ, વિધાનસભાના વિપક્ષી નેતા રાધાકૃષ્ણ વિખે-પાટીલ, મહારાષ્ટ્રના પ્રભારી મલ્લિકાર્જુન ખડગેનો સમાવેશ કરતી ક્રીનિંગ કમિટીની બેઠક આજે દિલ્હીમાં મળવાની છે. તેમાં ચર્ચા પછી જ્યાં વિવાદ કે ખેંચતાણ ઓછી હોય એવી બેઠકોના ઉમેદવાર એકાદ બે દિવસમાં જાહેર કરવામાં આવે એવી વકી છે. મહારાષ્ટ્રની બાર બેઠકોમાં ખાસ સ્પર્ધા નથી. તેના ઉમેદવાર ટૂંક સમયમાં જાહેર થઈ જશે. રાજકીય વ્યૂહને લીધે જાલનાની બેઠકનો ઉમેદવાર જાહેર કરવામાં વિલંબ થઈ શકે છે.
દક્ષિણ મધ્ય મુંબઈની બેઠક ઉપર ભૂતપૂર્વ સાંસદ એકનાથ ગાયકવાડ અને મુંબઈ યુનિવર્સિટીના ભૂતપૂર્વ ઉપકુલપતિ ડૉ. ભાલચંદ્ર મુણગેકરના નામો સ્પર્ધામાં છે. વાયવ્ય મુંબઈની બેઠક ઉપર ગત ચૂંટણી લડનારા ગુરુદાસ કામતનું અવસાન થયું છે. 
આ બેઠક ઉપર ચૂંટણી લડવા કૉંગ્રેસી નેતાઓમાં ભારે ઉત્સાહ છે. કૉંગ્રેસના મુંબઈ એકમના વડા સંજય નિરૂપમ ઉત્તર મુંબઈની બેઠક છોડીને વાયવ્ય મુંબઈમાંથી ચૂંટણી લડવા ઉત્સુક છે. 
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન સુરેશ શેટ્ટી, કૉંગ્રેસના મુંબઈ એકમના ભૂતપૂર્વ વડા કૃપાશંકર સિંહ, મુંબઈ યુવક કૉંગ્રેસના વડા ગણેશ યાદવ અને અભિનેત્રી નગમા પણ આ બેઠક માટે ચૂંટણી લડવા ઇચ્છુક છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer