રવિ પૂજારીની ધરપકડ બાદ ખંડણીનો ત્રાસ ઘટયો, બે મહિનામાં ધમકીની માત્ર ચાર જ ફરિયાદો આવી

મુંબઈ, તા. 14 : જાન્યુઆરીમાં દક્ષિણ આફ્રિકાના સેનેગલમાં ગેન્ગસ્ટર રવિ પૂજારીની ધરપકડ બાદ છેલ્લા બે મહિનાથી મુંબઈમાં અંડરવર્લ્ડ તરફથી ખંડણી માટે મળતા ધમકીઓના ફોન કૉલ્સ નહીંવત્ થઇ ગયા છે.
મુંબઈ પોલીસના એન્ટિ એક્સટોર્શન સેલના જણાવ્યા પ્રમાણે છેલ્લાં કેટલાંક વર્ષોથી રવિ પૂજારીની ટોળકી તરફથી જ મોટા ભાગના કૉલ્સ કરાયા હોવાની ફરિયાદો નોંધાય રહી છે, કેમ કે અન્ય ટોળકીના ખંડણીખોરો કાં તો અન્ય ગુનાખોરીના કેસોમાં સળિયા પાછળ ધકેલાયા છે અથવા તો તેમણે પોલીસના ડરે મુંબઈની હદ બહાર પોતાનું કાર્યક્ષેત્ર વિકસાવ્યું છે. એક અધિકારીના જણાવ્યા પ્રમાણે જાન્યુઆરીમાં પૂજારીની ધરપકડ બાદ બે મહિનામાં ધમકીભર્યા ફોન કૉલ્સની માત્ર ચાર ફરિયાદો જ મળી છે. 
છોટા રાજન અને દાઉદની ટોળકી વિશે અધિકારીઓએ કહ્યું હતું કે વર્ષ 2015થી રાજન ભારતની જેલમાં હોવાથી હેમંત પૂજારી, બંટી પાંડે, સંતોષ શેટ્ટી અને વિજય શેટ્ટી જેવા રાજનના સાગરિતોએ પોતાની ટોળકીઓ ઊભી કરી પરંતુ આ ધંધામાં તેઓ ટકી ન શક્યા તેથી ટોળકીઓ જેવું કંઇ રહ્યું નથી. દાઉદ ટોળકીએ ખંડણીનો ધંધો સંકેલીને નશીલા પદાર્થોના આંતરરાષ્ટ્રીય ધંધામાં ઝંપલાવ્યું હોવાની માહિતી છે. જોકે, દાઉદ ટોળકીનો ફહીમ મરચંટ ખંડણીમાં સક્રિય હોવાનું કહેવાય છે પરંતુ તેની વિરુદ્ધ ખાસ ફરિયાદો નથી મળતી.
બે મહિનામાં જે ચાર ધમકીભર્યા કૉલ્સ મળ્યાની ફરિયાદો નોંધાઇ છે તેમાંથી એક રાજન ટોળકીનો એજાઝ લાકડાવાલા વિરુદ્ધ છે, પરંતુ લાકડાવાલાનું જોર હવે લગભગ ખતમ થઇ ગયું છે. એક કૉલ નાના-મોટા ગુના આચરતા સુરેશ પૂજારીના નામે મળ્યાનું નોંધાયું છે. ડેપ્યુટી પોલીસ કમિશનર દિલીપ સાવંતના જણાવ્યા પ્રમાણે વર્ષ 2017માં ધમકીભર્યા ફોન કૉલ્સની 81 ફરિયાદો સામે ગયા વર્ષે 76 ફરિયાદો મળી હતી. આ 81માંથી 40 ફરિયાદો રવિ પૂજારી તરફથી કૉલ્સ મળ્યાની હતી. બાકીની ફરિયાદો સુરેશ પૂજારી, એજાઝ લાકડાવાલા અને અન્ય નાના મોટા ગુનેગારો સામે હતી.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer